News of Saturday, 27th June 2026
છત્તીસગઢમાં હીરાની ખાણો ખૂલવાનો માર્ગ મોકળો: મહાસમુંડના બલોડા-બેલમુન્ડી બ્લોકમાં ડ્રિલિંગને મંજૂરી, દેશને મળશે હીરાનું નવું હબ
કિમ્બરલાઇટ પાઇપમાં હીરાના ભંડાર મળતા જ તેજી; NMDC-CMDC લિમિટેડ દ્વારા પ્રોજેક્ટના આગલા તબક્કાની શરૂઆત, પર્યાવરણ અને સ્થાનિક વિકાસ પર રહેશે ખાસ નજર

મહાસમુંડ : છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં સ્થિત બલોડા-બેલમુન્ડી ડાયમંડ બ્લોકમાં હીરા શોધવાના પ્રોજેક્ટને નવી ગતિ મળી છે. નવી દિલ્હીમાં મળેલી NMDC-CMDC લિમિટેડ (NCL) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં પ્રોજેક્ટના આગલા તબક્કા તરીકે 'લાર્જ ડાયામીટર ડ્રિલિંગ' (મોટા વ્યાસનું ડ્રિલિંગ) શરૂ કરવાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ નિર્ણય સાથે જ છત્તીસગઢના આ વિસ્તારમાં વાસ્તવિક હીરાના ભંડારનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવાનો અને ભવિષ્યમાં વાણિજ્યિક ધોરણે હીરાનું ખાણકામ શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે.
કેવી રીતે થઈ હીરાના અસ્તિત્વની પુષ્ટિ?
આ પ્રોજેક્ટની સફળતા પાછળ લાંબી મહેનત છુપાયેલી છે. NCL એ સ્ટ્રીમ સેડિમેન્ટ સેમ્પલિંગ અને અત્યાધુનિક ભૂ-ભૌતિક સર્વેક્ષણો દ્વારા કિમ્બરલાઇટ પાઇપની ઓળખ કરી હતી. ત્યારબાદ, NMDC ના પન્ના ડાયમંડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં અંદાજે ૨૦૦ ટન જથ્થાબંધ નમૂનાઓનું કઠોર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ૧.૨૨ કેરેટ વજનના પાંચ કુદરતી હીરા મળી આવ્યા હતા. આ પુષ્ટિએ સાબિત કરી દીધું છે કે બલોડા-બેલમુન્ડીનો વિસ્તાર ભવિષ્યમાં દેશના હીરા ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ પ્રોજેક્ટ દેશ માટે કેમ છે ખાસ?
દક્ષિણ આફ્રિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા હીરા ઉત્પાદક દેશોના ઇતિહાસને જોતા, આવી શરૂઆતની સફળતા મોટા વ્યાપારી ભંડાર મળવાના મજબૂત સંકેતો આપે છે. આથી જ, બલોડા-બેલમુન્ડી પ્રોજેક્ટને માત્ર છત્તીસગઢ માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે એક મહત્વપૂર્ણ ખનિજ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. રાજ્યના ખનિજ વિકાસ નિગમના અધ્યક્ષ સૌરભ સિંહે આશા વ્યક્ત કરી છે કે આ પ્રોજેક્ટ છત્તીસગઢને દેશના અગ્રણી હીરા ઉત્પાદક રાજ્યોની યાદીમાં મોખરે લાવશે.
ટેકનિકલ પ્રગતિ અને સાથે પર્યાવરણની ચિંતા
બેઠકમાં ડિરેક્ટર બોર્ડે પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી અને પ્રોસ્પેક્ટિંગ લાઇસન્સના ગાળામાં તમામ ટેકનિકલ કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ, બેઠકમાં પર્યાવરણીય સંરક્ષણ, વૈજ્ઞાનિક ખાણકામ અને સ્થાનિક સમુદાયોના સામાજિક-આર્થિક વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો સંકલ્પ લેવાયો છે.
· આયર્ન ઓર પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા: હીરાના પ્રોજેક્ટની સાથે બૈલાડિલા ડિપોઝિટ-૪ અને ડિપોઝિટ-૧૩ જેવા આયર્ન ઓર પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા કરવામાં આવી, જેનું વાર્ષિક ઉત્પાદન આગામી વર્ષોમાં નોંધપાત્ર રીતે વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
સરકાર દ્વારા ગેરકાયદેસર ખાણકામ બાબતે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી છે, જેનાથી આખા પ્રોજેક્ટમાં પારદર્શિતા જળવાઈ રહે. હવે ડ્રિલિંગ પ્રક્રિયા બાદ તૈયાર થનારા 'ફિઝિબિલિટી રિપોર્ટ' પરથી નક્કી થશે કે વ્યાપારી ખાણકામનો અંતિમ રોડમેપ કેવો હશે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
