<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

પતંજલિ ઘી વિવાદ મામલોઃ ભાજપના પૂર્વ સાંસદ બ્રજભૂષણ શરણ સિંહ સામે ૫૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ

આગામી સુનાવણી ૧૮ સપ્‍ટેમ્‍બરેઃ પતંજલિ દ્વારા છબી અને નાણાકીય નુકસાનનો દાવો

ઇન્‍દોર, તા.૧૬: યોગગુરુ બાબા રામદેવની અગ્રણી કંપની પતંજલિ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ તથા ભાજપના પૂર્વ સાંસદ બ્રજભૂષણ શરણ સિંહ વચ્‍ચેનો વિવાદ વધુ ઘેરો બન્‍યો છે. પતંજલિ ફૂડ્‍સ લિમિટેડ દ્વારા બ્રજભૂષણ શરણ સિંહ સામે ૫૦ કરોડ રૂપિયાનો જંગી માનહાનિનો દાવો કરવામાં આવ્‍યો છે, જે સંદર્ભે હાલ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

મધ્‍યપ્રદેશ હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન બ્રજભૂષણ શરણ સિંહનું પ્રતિનિધિત્‍વ કરી રહેલા વકીલે કોર્ટમાં પોતાનો પાવર ઓફ એટર્ની રજૂ કર્યો હતો અને કેસમાં જવાબ દાખલ કરવા માટે સમયની માંગણી કરી હતી. જેને ધ્‍યાનમાં રાખીને કોર્ટે આગામી સુનાવણી ૧૮ સપ્‍ટેમ્‍બરના રોજ નિર્ધારિત કરી છે.

આ સમગ્ર કાનૂની લડાઈ વર્ષ ૨૦૨૨ માં આપેલા એક નિવેદનથી શરૂ થઈ હતી, જેમાં બ્રજભૂષણ શરણ સિંહે જાહેરમાં પતંજલિ ઘીને નકલી ગણાવ્‍યું હતું અને લોકોને પોતાના ઘરોમાં જ ગાય કે ભેંસ ઉછેરવા માટે આગ્રહ કર્યો હતો. સિંહે પતંજલિના ઉત્‍પાદનો તેમજ તેના બ્રાન્‍ડ નામ સામે પણ વાંધો ઉઠાવ્‍યો હતો.

પતંજલિ ફૂડ્‍સ તરફથી રજૂ થયેલા વકીલ વિક્રમ માલવિયાના જણાવ્‍યા અનુસાર, સિંહના આ વિવાદાસ્‍પદ નિવેદનોથી કંપનીની બ્રાન્‍ડ છબીને ભારે નુકસાન પહોંચ્‍યું છે. આ ઉપરાંત કંપનીના શેરના ભાવ પર પણ તેની વિપરીત અસર પડી હોવાનો અને નાણાકીય નુકસાન થયાનો દાવો કંપની દ્વારા કરવામાં આવ્‍યો છે.

પ્રારંભિક તબક્કે આ કેસ જિલ્લા કોર્ટમાં દાખલ થયો હતો અને ટ્રાયલ સ્‍ટેજ દરમિયાન ઇલેક્‍ટ્રોનિક પુરાવાઓ અંગે વિવાદ ઉભો થતા આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્‍યો હતો. કંપનીએ ઇલેક્‍ટ્રોનિક પુરાવા સંબંધિત દસ્‍તાવેજો રજૂ કરી સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશોનો સંદર્ભ આપ્‍યો છે. પતંજલિ ફૂડ્‍સ લિમિટેડની ઓફિસ ઇન્‍દોરના વિજય નગર વિસ્‍તારમાં આવેલી હોવાથી અને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર પણ ઇન્‍દોરના વિજય નગરનું નામ હોવાથી ઇન્‍દોરની સ્‍થાનિક કોર્ટમાં આ દાવો દાખલ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે બ્રજભૂષણ શરણ સિંહ અને પતંજલિ જૂથ વચ્‍ચે લાંબા સમયથી નિવેદનબાજી ચાલી રહી છે અને ઓગસ્‍ટ ૨૦૨૬ માં પણ સિંહે પતંજલિના ઉત્‍પાદનો તથા દેશમાં ઘીની કથિત ભેળસેળ અંગે રામદેવ પર સવાલો ઉઠાવ્‍યા હતા. બીજી તરફ, અગાઉ વર્ષ ૨૦૨૫ માં પિથોરાગઢના ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા લેવાયેલા નમૂના પરીક્ષણમાં ધોરણો પૂરા ન કરવા બદલ પતંજલિ ઘી સામે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્‍યો હતો.

(3:51 PM IST)