તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 26th May 2026
મહારાષ્ટ્રના ગોંદિયામાં હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ :લક્ઝરી થાર ગાડીમાંથી 38 લાખનો ગાંજો ઝડપાયો
ગાંજાનો મોટો જથ્થો છત્તીસગઢના રાયપુરથી મહારાષ્ટ્રના નાગપુર તરફ સપ્લાય કરવા માટે લઈ જવાતો હતો :પોલીસે ઘટનાસ્થળેથી બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી

મહારાષ્ટ્રના ગોંદિયામાં નાકા ચેકિંગ ઓપરેશન દરમિયાન પોલીસે નશાના કારોબારીઓ વિરુદ્ધ એક મોટી સફળતા મેળવી છે. મુંબઈ-કોલકાતા નેશનલ હાઈવે પર એક શંકાસ્પદ લક્ઝરી થાર ગાડીમાંથી લાખોની કિંમતનો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. ગુપ્ત સૂચનાના આધારે સક્રિય થયેલી પોલીસે સમગ્ર વિસ્તારમાં કડક નાકાબંધી કરીને આ હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
ગોંદિયા પોલીસને એક વિશ્વસનીય બાતમીદાર તરફથી ગુપ્ત માહિતી મળી હતી કે, મુંબઈ-કોલકાતા નેશનલ હાઈવે પર આવેલા સૌંદડ વિસ્તારમાંથી એક લક્ઝરી થાર વાહનમાં ગાંજાનો મોટો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ ઇનપુટ મળતા જ હરકતમાં આવેલી પોલીસે સમય સૂચકતા વાપરી હાઈવે પર ચુસ્ત નાકાબંધી ગોઠવી દીધી હતી અને શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ શરૂ કર્યું હતું.
નાકાબંધી દરમિયાન બાતમી મુજબની શંકાસ્પદ થાર ગાડી તપસાતા જ પોલીસને મોટી સફળતા મળી હતી. વાહનની ઝીણવટભરી તલાશી લેતા તેમાંથી આશરે 38 કિલોગ્રામ જેટલો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા આ નશીલા પદાર્થની અંદાજિત કિંમત આશરે 38 લાખ 50 હજાર રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગાંજાનો મોટો જથ્થો છત્તીસગઢના રાયપુરથી મહારાષ્ટ્રના નાગપુર તરફ સપ્લાય કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જ બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ ડ્રગ્સ તસ્કરીના આંતરરાજ્ય નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સ્થાનિક ડીલરો અને મોટા માથાઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
