News of Monday, 18th May 2026
NEET-UG પેપર લીક કાંડમાં સંસદ એક્શન મોડમાં: NTA ચીફ પ્રદીપ કુમાર જોશી અને ટોચના અમલદારોને સમન્સ, ૨૧ મેના રોજ સંસદીય પેનલ સમક્ષ હાજર થવા આદેશ
૨૩ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરનારાઓ પર કસાશે સિકંજો; રાધાકૃષ્ણન સમિતિના અહેવાલ અને પરીક્ષા પદ્ધતિમાં મોટા સુધારાઓ પર થશે કડક સમીક્ષા, આગામી વર્ષથી પરીક્ષા ઓનલાઇન લેવાની તૈયારી

નવી દિલ્હી, તા.૧૮: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા 'NEET-UG 2026' ના પેપર લીક વિવાદે હવે સમગ્ર દેશના રાજકારણ અને શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓના આક્રોશ વચ્ચે આ મામલે હવે દેશની સર્વોચ્ચ સંસ્થા એટલે કે સંસદ સીધા એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની અદ્યક્ષતાવાળી 'શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત અંગેની સંસદીય સ્થાયી સમિતિ' એ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના અધ્યક્ષ પ્રદીપ કુમાર જોશી અને શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનીત જોશી સહિતના ટોચના અમલદારોને ૨૧ મેના રોજ વ્યક્તિગત રીતે હાજર થવા માટે કડક સમન્સ પાઠવ્યું છે.
રાજ્યસભા દ્વારા જારી કરાયેલી સત્તાવાર નોટિસ અનુસાર, આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં કથિત પેપર લીકની તપાસ ક્યાં સુધી પહોંચી અને ભવિષ્યમાં આવી ગેરરીતિઓ રોકવા માટે NTA માં કેવા ધરમૂળથી સુધારા કરવાના છે, તે અંગે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવશે.
૩ મેની પરીક્ષા રદ, હવે ૨૧ જૂને ફરી લેવાશે કસોટી
ઉલ્લેખનીય છે કે, ગત ૩ મેના રોજ દેશભરમાં લેવાયેલી NEET-UG ની પરીક્ષામાં મોટા પાયે અનિયમિતતા અને પેપર લીકના આક્ષેપો થયા બાદ NTA ને ભારે નાલેમોશી સાથે આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. આ પરીક્ષા માટે દેશભરમાંથી આશરે ૨૩ લાખ જેટલા તેજસ્વી ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમના ભવિષ્ય પર અચાનક અંધકાર છવાઈ ગયો હતો. NTA ના જણાવ્યા અનુસાર, પરીક્ષાના ચાર દિવસ પછી એટલે કે ૭ મેની સાંજે આ ગેરરીતિની ચોંકાવનારી કડીઓ હાથ લાગી હતી.
આ દરમિયાન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, પીડિત વિદ્યાર્થીઓ માટે NEET-UG ની પુનઃપરીક્ષા આગામી ૨૧ જૂને યોજાશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા તેમણે ઉમેર્યું કે, આગામી વર્ષથી આ મેડિકલ પ્રવેશ પરીક્ષા સંપૂર્ણપણે 'કમ્પ્યુટર આધારિત' (CBT Mode) એટલે કે ઓનલાઇન લેવામાં આવશે, જેથી પેપર લીક થવાની કોઈ શક્યતા જ ન રહે.
શિક્ષણમાં AI નો ઉપયોગ અને રોજગારી પર પણ મંથન
આ સંસદીય સમિતિ માત્ર પેપર લીક પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ દેશના શૈક્ષણિક સ્તરને સુધારવા માટે એક વ્યાપક રોડમેપ પણ તૈયાર કરી રહી છે. આ બેઠકના એક વિશેષ સત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની શિક્ષણ પર થતી અસરો અને યુવાનોમાં રોજગારક્ષમતા વધારવા માટેની આધુનિક વ્યૂહરચનાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ મંથન માટે એન્થ્રોપિક ઇન્ડિયા, પ્રથમ ઓર્ગેનાઇઝેશન, ઇન્ફોસિસ તેમજ આઇઆઇટી (IIT) કાનપુર અને આઇઆઇટી મદ્રાસના દિગ્ગજ પ્રતિનિધિઓ અને વૈજ્ઞાનિકોને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે.
અનામત અને નવી શિક્ષણ નીતિ (NEP) ની પણ થશે સમીક્ષા
આ સિવાય, સમિતિ અન્ય એક અલગ સત્રમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) ના વાઇસ ચાન્સેલર અને રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ આયોગ (NCMEI) ના અધ્યક્ષ સાથે પણ મહત્વની બેઠક કરશે. જેમાં લઘુમતી સંસ્થાઓમાં અનામતની સ્થિતિ, પ્રોફેસરોની ખાલી જગ્યાઓ ભરોસાપાત્ર રીતે ભરવા અને દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના ઝડપી અમલીકરણ જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ (NCTE) ની કામગીરી અને શિક્ષકોની તાલીમ સંબંધિત વિવિધ સંસદીય અહેવાલો પર સરકારે શું પગલાં લીધા, તેનો રિપોર્ટ પણ આ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. ૨૧ મેના રોજ થનારી આ સમીક્ષા બેઠક પર દેશભરના લાખો વિદ્યાર્થીઓની નજર મંડરાયેલી રહેશે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
