News of Wednesday, 24th June 2026
પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા
નથવાણી ઝારખંડના વિકાસમાં યોગદાન આપવા પોતાની ‘‘કર્મભૂમિ''માં અપક્ષ સાંસદ તરીકે પરત ફર્યા

જૂન ૧૮, ૨૦૨૬, રાંચી, ઝારખંડઃ શ્રી પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા.
શ્રી નથવાણી અગાઉ ૨૦૦૮ અને ૨૦૨૦ વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત એવી બે ટર્મ સુધી સેવા આપી ચૂકયા છે, અને તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો ખાસ રેકોર્ડ ધરાવે છે. વર્ષ ૨૦૨૦માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, તેમનું ઝારખંડથી ફરીથી ચૂંટાઈ આવવું એ આ રાજ્યમાં તેમની મહત્વપૂર્ણ વાપસી છે. શ્રી નથવાણીએ ઝારખંડને ઘણા લાંબા સમય અગાઉથી જ પોતાની ‘‘કર્મભૂમિ'' તરીકે જાહેર કરી છે.
પોતાની આ જીતમાં સહયોગ બદલ તેમણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગળહમંત્રી શ્રી અમિત શાહ, રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ શ્રી નીતિન નબીન, ઝારખંડ ભાજપ પ્રમુખ શ્રી આદિત્ય સાહુ, ઝારખંડ વિધાનસભામાં ભાજપના નેતા શ્રી બાબુલાલ મરાંડી, ભાજપના મુખ્ય વ્હીપ નવીન જયસ્વાલ તેમજ ભાજપ અને NDAના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોનો પોતાના આ વિજયમાં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.
રાજ્ય માટે પોતાના વિઝન અને ભવિષ્યના વિકાસના રોડમેપ વિશે શ્રી પરિમલ નથવાણીએ કહ્યું હતું કે :- ‘‘અહીં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ, ઝારખંડ હવે મારા માટે નવું સ્થળ નથી. તે મારી કર્મભૂમિ છે. રાજ્યસભામાં ફરી એકવાર અહીંના લોકોની સેવા કરવાની મને તક મળી તે બદલ હું ખૂબ આભારી છું. આગળ વધતાં, હું મારું ધ્યાન ગ્રામીણ વિસ્તારો તરફ કેન્દ્રિત કરીશ, જ્યાં અમે મજબૂત કૌશલ્યવર્ધન કાર્યક્રમો ચલાવીને તેમજ કુટીર ઉદ્યોગને પુનર્જીવિત કરીને એકદમ પાયાના સ્તરે આજીવિકાની ટકાઉ તકોનું સર્જન કરવા માગીએ છીએ.
પોતાની અગાઉની બે ટર્મ દરમિયાન, શ્રી નથવાણી સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) માટે સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (MPLAD) ફંડના લગભગ ૧૦૦ ટકા હિસ્સાનો ઉપયોગ ગ્રામીણ વિકાસ, માળખાગત સુવિધાઓની સ્થાપના, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા પાછળ કર્યો હતો. રાજ્યમાં તેમનું સૌથી મોટું યોગદાન એ હતું કે તેમણે પોતાના સાંસદ ભંડોળ જ નહીં બલ્કે પોતાના વ્યક્તિગત ફંડમાંથી પણ IIM-રાંચી માટે ૬૦૦ લોકોની બેઠક ક્ષમતા ધરાવતો અત્યાધુનિક સેમિનાર હોલ બનાવવા રૂ. ૧૫ કરોડ આપ્યા હતા.
તેમણે પોતાના અંગત ભંડોળમાંથી રૂ. ૧.૦૭ કરોડ ખર્ચીને રાતુ રોડ સ્થિત જર્જરિત રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલનું પુનર્નિર્માણ કરાવ્યું હતું, રાજ્યભરમાં આરોગ્ય પેટા-કેન્દ્રોની સ્થાપના કરી હતી તેમજ અનેક એમ્બુલન્સનું દાન કર્યું હતું.
આ વ્યાપક વિકાસલક્ષી કાર્યો ઉપરાંત, શ્રી નથવાણી સંસદમાં ઝારખંડના સૌથી સક્રિય અને અવાજ ઉઠાવનારા પ્રતિનિધિઓમાંના એક રહ્યા છે. પોતાના કાર્યકાળ દરમિયાન, તેમણે રાજ્યસભામાં ઝારખંડના વિકાસને લગતા ૧,૨૦૦થી વધુ પ્રશ્નો ઉઠાવ્યા છે.
શુભેચ્છકઃ રાકેશ અશ્વિનભાઇ પંચમતીયા
પરેશ અશ્વિનભાઇ પંચમતીયા
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
