<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

દીકરીને વિદાય આપતી વખતે ટ્રેનની પાછળ-પાછળ દોડયા માતા-પિતા

સોશિયલ મીડિયા પર દીકરીની વિદાયનો એક ભાવુક વીડિયો વાયરલઃ જોઈને ભીની થઈ જશે આંખો! : ટ્રેનમાં બેઠેલી દીકરીને અલવિદા કહેવા માટે માતા-પિતા પ્‍લેટફોર્મ પર તેની સાથે-સાથે દોડતાં જોવા મળે છે, આ દરમિયાન પિતાનું ઇમોશનલ રિએક્‍શન લોકોને ભાવુક કરી રહ્યો છે

નવી દિલ્‍હી,તા.૨૪: માતા-પિતા અને સંતાનોનો સંબંધ દુનિયાના સૌથી સુંદર સંબંધોમાંથી એક છે. સંતાનોની ખુશી માટે માતા-પિતા આખી જિદગી મહેનત કરે છે. જોકે, જ્‍યારે દીકરી લગ્ન બાદ અથવા અભ્‍યાસ અને નોકરી માટે ઘરથી દૂર જાય છે, ત્‍યારે તેની વિદાયની ક્ષણ માતા-પિતા માટે ખૂબ જ ભાવુક હોય છે. ચહેરા પર સ્‍મિત હોવા છતાં મનમાં વિખૂટા પડવાનું દુઃખ છુપાયેલું હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે.

આ વીડિયો નોઈડાની રહેવાસી અનુષ્‍કાએ પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર શેર કર્યો છે. વીડિયોમાં અનુષ્‍કા ટ્રેનની બારી પાસે બેઠેલી જોવા મળે છે અને બહાર પ્‍લેટફોર્મ પર ઊભેલા માતા-પિતાનો વીડિયો બનાવી રહી છે. શરૂઆતમાં બંને હસતાં હસતાં દીકરીને હાથ હલાવીને વિદાય આપે છે. પરંતુ ટ્રેન આગળ વધવા લાગે છે ત્‍યારે માતા-પિતા પણ તેની સાથે-સાથે ચાલવા અને દોડવા લાગે છે. તેમની નજર સતત દીકરીની બારી પર ટકેલી રહે છે અને તેઓ દૂર સુધી હાથ હલાવતા રહે છે.

આ દરમિયાન પિતાનો એક નાનકડો ઇશારો લોકોનું દિલ જીતી રહ્યો છે. તેઓ દીકરીને હિમત આપવા માટે પ્રેમથી થમ્‍સ-અપ બતાવે છે. ટ્રેન પ્‍લેટફોર્મથી ઘણી આગળ નીકળી જાય ત્‍યાં સુધી બંને તેને વિદાય આપતા રહે છે. અનુષ્‍કાએ આ વીડિયો સાથે લખ્‍યું કે તે પોતાના માતા-પિતાને ખૂબ પ્રેમ કરે છે.

આ વીડિયો @anushka_oyeee નામના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પરથી પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે. તેને અત્‍યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્‍યા છે. કોમેન્‍ટમાં એક યુઝરે લખ્‍યું કે પિતાને ધ્‍યાનથી જુઓ, તેઓ હસતાં હસતાં પોતાનાં આંસુ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અન્‍ય એક યુઝરે દીકરીનાં માતા-પિતા હંમેશાં સ્‍વસ્‍થ અને ખુશ રહે તેવી પ્રાર્થના કરી હતી. આ નાનકડો વીડિયો કોઈ શબ્‍દો વિના માતા-પિતાના નિઃસ્‍વાર્થ પ્રેમ અને લાગણીઓ વ્‍યક્‍ત કરી રહ્યો છે.

(10:05 AM IST)