<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

‘પાપી ગુડિયા’ ફેમ અભિનેત્રી પૂનમ દાસગુપ્તા મુશ્કેલીમાં: વોટ્સએપ પર મળ્યા અશ્લીલ વીડિયો અને ન્યૂડ તસવીરો, હચમચી ગયેલી એક્ટ્રેસે નોંધાવી પોલીસ ફરિયાદ!

અજાણ્યા નંબર પરથી માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ; જૂની તસવીરો વાયરલ થતા અભિનેત્રીને કોઈ પરિચિત વ્યક્તિ પર આશંકા, મુંબઈ પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ

મુંબઈ: હિન્દી અને બંગાળી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પૂનમ દાસગુપ્તા ગંભીર સાયબર ક્રાઈમનો શિકાર બની છે. ‘પાપી ગુડિયા’ જેવી ફિલ્મો અને ‘ઝી હોરર શો’ થી જાણીતી બનેલી આ અભિનેત્રીએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પૂનમનો આરોપ છે કે તેને વોટ્સએપ પર અત્યંત અશ્લીલ વીડિયો અને વાંધાજનક તસવીરો મોકલીને માનસિક રીતે પરેશાન કરવામાં આવી રહી છે.
૨૭ એપ્રિલની એ ઘટના અને માનસિક આઘાત
આ ઘટના ૨૭ એપ્રિલના રોજ સાંજે ૬:૩૦ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે પૂનમ દાસગુપ્તા પોતાના ઘરે હતી. અચાનક એક અજાણ્યા વોટ્સએપ નંબર પરથી અશ્લીલ સામગ્રી આવવા લાગતા તે સ્તબ્ધ થઈ ગઈ હતી. અભિનેત્રીએ જણાવ્યું કે આ વીડિયો અને મેસેજ જોઈને તે ખૂબ જ આઘાતમાં સરી પડી હતી અને તેને ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે. તેણે પહેલા તે નંબર પર કોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો.
પરિચિત વ્યક્તિ હોવાની આશંકા
પૂનમ દાસગુપ્તાએ પોલીસને આપેલી માહિતી મુજબ, આરોપીએ તેની એવી જૂની તસવીરો પણ મોકલી છે જે હવે ગૂગલ કે સોશિયલ મીડિયા પર ક્યાંય ઉપલબ્ધ નથી. આ બાબતને આધારે અભિનેત્રીને શંકા છે કે આ કૃત્ય પાછળ કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જે તેને અંગત રીતે ઓળખે છે અને જાણી જોઈને હેરાન કરવા માંગે છે. તેણે પોતાના પતિ સાથે ચર્ચા કર્યા બાદ ૨૯ એપ્રિલના રોજ વિધિવત રીતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઓશિવારા પોલીસે ‘ભારતીય ન્યાય સંહિતા’ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પૂનમે પોલીસને તે અશ્લીલ મેસેજના સ્ક્રીનશોટ પુરાવા તરીકે સોંપ્યા છે. ઉલ્લેખનીય છે કે પૂનમ દાસગુપ્તાએ બંગાળી સિનેમામાં બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ત્યારબાદ મલયાલમ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કરીને લાંબી સફળતા મેળવી છે. હવે પોલીસ તે અજાણ્યા વોટ્સએપ નંબરના આધારે આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

(9:15 PM IST)