તા. ૨૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 28th June 2026
મુંબઈના CSMT સ્ટેશન બહાર આતંક: પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવકે કોયતો લહેરાવી મચાવ્યો હોબાળો
પોલીસે વીજળીક ગતિએ કાર્યવાહી કરીને આરોપીને દબોચી લીધો, વ્યસ્ત વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી

મુંબઈ : મુંબઈના સૌથી વ્યસ્ત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) બહાર શનિવારે બપોરે એક ૨૨ વર્ષીય યુવક વકાર અનવર શેખે પોતાની પત્ની સાથેના ઝઘડા બાદ જાહેરમાં કોયતો લહેરાવી મુસાફરોમાં ભારે દહેશત ફેલાવી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં અને નાગરિકોની જાણકારી મળતા જ MRA માર્ગ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને નિઃશસ્ત્ર કરી ધરપકડ કરી લીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના CSMT ની બહાર MRA માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં બની હતી. શેખ પર કથિત રીતે કોયતા (સિકલ જેવું તીક્ષ્ણ હથિયાર) આક્રમક રીતે લહેરાતો જોવા મળ્યો હતો, જેના કારણે પસાર થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેની સાથે રહેલી મહિલાને ધમકાવવામાં આવી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ ઈજા થઈ ન હતી. પોલીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા એક નાગરિકે અધિકારીઓને જાણ કર્યા પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. API સંધ્યા નિકમની આગેવાની હેઠળની ટીમે યુક્તિપૂર્વક આરોપીને પાછળથી દબાવીને નિઃશસ્ત્ર કર્યો હતો.
પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીની સાથે આવેલી મહિલા તેની પત્ની છે અને દક્ષિણ મુંબઈમાં ફરવા દરમિયાન તેમની વચ્ચે નજીવી બાબતે વિવાદ થયો હતો. સ્થિતિ શાંત પાડવાના પ્રયાસમાં લોકોની દરમિયાનગીરી છતાં, આરોપીએ બેગમાંથી કોયતો કાઢી આક્રમક વલણ અપનાવ્યું હતું. પોલીસની સમયસૂચકતાને કારણે મોટો અનિચ્છનીય બનાવ ટળી ગયો હતો.
આરોપી અગાઉ પણ અનેક ગુનાહિત કેસોમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર મુંબઈ જેવા વ્યસ્ત જાહેર સ્થળોએ સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે અંગે પોલીસ હવે કડક કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
