તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
પાલિતાણાની કૈલાસ ટેકરી પર ‘માનસ શિવ સંકલ્પ’ રામકથાનો મંગલ પ્રારંભ : પંચદેવનો દ્વેષ કરનારનો સંગ ન કરવો - પૂ. મોરારીબાપુ
ગુરુ આશ્રમ ખાતે સંતો-મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કથાનું મંગલાચરણ : શિવ અને રામ તત્વના સમન્વય સાથે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું

ઈશ્વરિયા: ગોહિલવાડની પાવન ધરા પર પાલિતાણા પાસે આવેલી કૈલાસ ટેકરી, સગાપરા ધાર ક્ષેત્રમાં શ્રદ્ધા અને ઉમંગ સાથે રામકથા 'માનસ શિવ સંકલ્પ'નો પ્રારંભ થયો છે. પૂજ્ય મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી વંદના ગાન સાથે કથાનું મંગલાચરણ કરાવતા માનવ જીવનમાં સત્સંગ અને દેવ ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું. બાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ - આ પંચદેવનો જે દ્વેષ કરે છે, તેમનો સંગ ક્યારેય ન કરવો જોઈએ.
ઈશ્વરની ઈચ્છા મુજબ કાર્ય સંપન્ન થાય છે:
કથાના પ્રથમ દિવસે વ્યાસપીઠ પરથી સંવાદ સાધતા પૂજ્ય બાપુએ કહ્યું કે, ઉપદેશ કે આદેશ માત્ર ઋષિમુનિઓ જ આપી શકે, આપણે અહીં માત્ર પ્રેમ અને ભક્તિનો સંવાદ કરી રહ્યા છીએ. તેમણે કથાના આયોજન માટે થયેલા પૂર્વેના સંકલ્પોનો ઉલ્લેખ કરતા રાજીપો વ્યક્ત કર્યો હતો કે અંતે હરિની ઈચ્છા મુજબ આ પવિત્ર સ્થાન પર જ કથાનું આયોજન નિર્ધારિત હતું. કથાના આરંભે વિવિધ વંદનાઓ દ્વારા રામચરિત માનસનું માહાત્મ્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
મહંત લાલગીરી બાપુનો શિવ સંકલ્પ સાકાર થયો:
ગુરુ આશ્રમ કૈલાસ ટેકરીના મહંત લાલગીરી બાપુ (ગુરુ વિજયગીરી બાપુ) ના નેતૃત્વ અને સંકલ્પથી આ કથાનું સુંદર આયોજન થયું છે. તેમણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ રામકથા માત્ર એક કથા નથી, પરંતુ ભગવાન શિવ દ્વારા માતા પાર્વતીને કહેવામાં આવેલું પરમ સત્ય છે જેને આપણે જીવનમાં ઉતારવાનું છે. આ પ્રસંગે તેમણે સામાજિક સમરસતા અને પ્રાકૃતિક ખેતી જેવા વિષયો પર પણ ભાર મૂક્યો હતો.
ધર્માચાર્યો અને રાજકીય-સામાજિક અગ્રણીઓની હાજરી:
કથાના પ્રારંભે સંતો-મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ તકે કેશવાનંદજી સ્વામી, સોહમગિરિજી મહારાજ, ભક્તિરામ બાપુ અને નિજાનંદ સ્વામી સહિતના ધર્માચાર્યોએ આશીર્વચન પાઠવ્યા હતા. રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ભીખાભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં નરેન્દ્રભાઈ ત્રિવેદીએ સંકલ્પ વિશે માહિતી આપી હતી, જ્યારે સમગ્ર સંચાલન દિલીપભાઈ રાજ્યગુરુએ સંભાળ્યું હતું. યજમાન પરિવાર અને કાર્યકર્તાઓ દ્વારા કથામાં પધારેલા ભાવિકોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
