તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
પાકિસ્તાનની 'પીસ મેકર' બનવાની લાલચ પડી ભારે: ઈરાને મુનીર અને શરીફને ગણાવ્યા અમેરિકાના 'કઠપૂતળી'
ઈરાની સાંસદે પાકિસ્તાની વિશ્વસનીયતાના લીરેલીરા ઉડાડ્યા: યુદ્ધવિરામના ડ્રાફ્ટમાં પાકિસ્તાની પીએમની એડિટ થયેલી સોશિયલ મીડિયા પોસ્ટે પોલ ખોલી નાખી કે અવાજ ઇસ્લામાબાદનો છે પણ શબ્દો વોશિંગ્ટનના!

તેહરાન: ઈરાન અને અમેરિકા વચ્ચેના ભભૂકતા તણાવમાં 'શાંતિ દૂત' બનીને આર્થિક ફાયદો ખાટવાની પાકિસ્તાનની રણનીતિ તેના પર જ ઉંધી પડી છે. પાકિસ્તાન સેના પ્રમુખ આસિમ મુનીર અને પીએમ શાહબાઝ શરીફ મધ્યસ્થી તરીકે પોતાને રજૂ કરી રહ્યા હતા, પરંતુ ઈરાને તેમને સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે પાકિસ્તાન એક પક્ષપાતી મધ્યસ્થી છે. ઈરાની સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પ્રહાર કરતા કહ્યું કે, પાકિસ્તાન આપણો પાડોશી તો છે પણ મધ્યસ્થી બનવા માટે જે 'વિશ્વસનીયતા' જોઈએ તેનો તેનામાં અભાવ છે. ઈરાનનો સીધો આરોપ છે કે પાકિસ્તાન હંમેશા અમેરિકાના હિતોનું રક્ષણ કરે છે અને વોશિંગ્ટનની ઈચ્છા વિરુદ્ધ એક શબ્દ પણ બોલવાની હિંમત ધરાવતું નથી.
આ વિવાદમાં ઘી હોમવાનું કામ પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફના સત્તાવાર એક્સ (X) હેન્ડલની એક એડિટ થયેલી પોસ્ટે કર્યું છે. યુદ્ધવિરામ અંગેના ડ્રાફ્ટમાં શરીફની પોસ્ટના એડિટ હિસ્ટ્રીએ એવી પોલ ખોલી કે પાકિસ્તાન માત્ર અમેરિકાના ઇશારે કામ કરી રહ્યું છે. ઈરાની નેતાઓનું કહેવું છે કે જ્યારે અમેરિકાએ લેબનોન અને ઈરાનની ફ્રીઝ થયેલી સંપત્તિ મુદ્દે આપેલા વચનો તોડ્યા, ત્યારે પણ પાકિસ્તાને મૌન ધારણ કરી રાખ્યું હતું. ઈરાન માને છે કે પાકિસ્તાન પોતાની આંતરરાષ્ટ્રીય છબી સુધારવા અને અમેરિકા પાસેથી આર્થિક સહાય મેળવવા માટે મધ્યસ્થીનો ડોળ કરી રહ્યું છે, જ્યારે વાસ્તવમાં તે માત્ર અમેરિકાના એજન્ડાને જ આગળ વધારી રહ્યું છે.
આ રાજદ્વારી અપમાનને કારણે પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય મંચ પર એકલા પડી ગયું હોય તેવું લાગે છે. મધ્યસ્થી નિષ્પક્ષ હોવો જોઈએ, પરંતુ પાકિસ્તાનના કિસ્સામાં તે સદંતર પક્ષપાતી સાબિત થયું છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન અમેરિકાના દબાણમાંથી બહાર આવીને સ્વતંત્ર રીતે વાત નહીં કરે, ત્યાં સુધી તેની મધ્યસ્થીનો કોઈ અર્થ નથી. આ પરિસ્થિતિમાં પાકિસ્તાન હવે ન તો અમેરિકાને ખુશ કરી શકે તેમ છે, ન તો ઈરાનનો વિશ્વાસ જીતી શકે તેમ છે, અને તેની 'શાંતિ દલાલી' એક ગંભીર રાજદ્વારી ફજેતીમાં પરિણમી છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
