<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

પાકિસ્તાનની ગુપ્ત ચાલનો ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા પર્દાફાશ: નાશિકમાંથી ૩૬૨ મેટ્રિક ટન ખજૂર જપ્ત; UAE વાયા ભારત લાવવાનું ષડયંત્ર નિષ્ફળ

પાકિસ્તાન પર આયાત પ્રતિબંધ છતાં UAE ના જેબેલ અલી પોર્ટથી રૂટ બદલી મુંબઈની કંપની દ્વારા જમીન પર ઉતારાયા ૧૩ કન્ટેનર; DRI ના 'ઓપરેશન ડીપ મેનિફેસ્ટ' હેઠળ સપાટો

નાશિક : કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળની ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મહારાષ્ટ્રમાં એક અત્યંત મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરીને પાકિસ્તાનથી કાયદા વિરૂદ્ધ ભારતમાં ઘૂસાડવામાં આવેલો ૩૬૨ મેટ્રિક ટન (૩.૬૨ લાખ કિલોગ્રામથી વધુ) સૂકી ખજૂરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર પાકિસ્તાની માલની આયાત પર ભારત સરકાર દ્વારા સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, ત્રીજા દેશના માધ્યમથી આ કાળો કારોબાર ચલાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.

 

ચોક્કસ બાતમીના આધારે DRI ની ટીમે મહારાષ્ટ્રના નાશિક ખાતે આવેલા 'અંબાડ કન્ટેનર ફ્રેટ સ્ટેશન' (CFS) પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મુંબઈની એક આયાતકાર કંપની દ્વારા મંગાવવામાં આવેલા સૂકી ખજૂરના ૧૩ જેટલા વિશાળ કન્ટેનરોને સ્થળ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. આયાતના કાગળોમાં આ માલ સંયુક્ત અરબ અમીરાત (UAE) ના જેબેલ અલી પોર્ટથી મોકલવામાં આવ્યો હોવાનું દર્શાવાયું હતું. જોકે, દસ્તાવેજોની ગહન ચકાસણી અને અધિકારીઓની પૂછપરછમાં આયાતકારો કોઈ સંતોષકારક ઉત્તર આપી શક્યા નહોતા.

 

ટ્રાન્સશિપમેન્ટના નામે આચરવામાં આવ્યું કૌભાંડ

DRI ની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે આ માલ મૂળ પાકિસ્તાનમાં જ ઉત્પાદિત થયો હતો. કાયદાની આંખમાં ધૂળ નાંખવા માટે આ કન્ટેનરોને પહેલાં પાકિસ્તાનના કરાચી બંદરથી જહાજ મારફતે UAE ના જેબેલ અલી બંદરે મોકલવામાં આવ્યા હતા. ત્યાં માત્ર 'ટ્રાન્સશિપમેન્ટ' (માલ એક જહાજમાંથી બીજા જહાજમાં બદલવાની પ્રક્રિયા) કરીને બીજા કન્ટેનરોમાં માલ ટ્રાન્સફર કરાયો હતો અને નવા કાગળો બનાવીને તેને ભારત રવાના કરી દેવાયો હતો. આ સમગ્ર ષડયંત્રમાં કેટલાક પાકિસ્તાની નાગરિકોની પણ સીધી સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા નોટિફિકેશન બહાર પાડીને પાકિસ્તાનથી આવતી તમામ ચીજવસ્તુઓની પ્રત્યક્ષ કે પરોક્ષ (ત્રીજા દેશ દ્વારા) આયાત પર સંપૂર્ણ બેન મૂકવામાં આવ્યો છે. DRI દ્વારા 'ઓપરેશન ડીપ મેનિફેસ્ટ' હેઠળ આ સફળ કાર્યવાહી કરીને દુશ્મન દેશ દ્વારા આચરવામાં આવતા આર્થિક અને સુરક્ષા સંબંધિત ગુનાઓ પર કડક પ્રહાર કરવામાં આવ્યો છે.

(7:19 PM IST)