<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

પાકિસ્તાનનો ‘રાફેલ પ્રોપગેન્ડા’નું સુરસુરિયું થયું : IAFના ગુપ્ત દસ્તાવેજે ખોલી આર્મી ચીફ અસીમ મુનીરના જૂઠાણાની પોલ

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના ૩ રાફેલ ફાઇટર જેટ તોડી પાડવાનો દાવો કરનાર ઇસ્લામાબાદ સત્તાવાર ટેન્ડર બહાર આવતા વૈશ્વિક સ્તરે શરમજનક સ્થિતિમાં મુકાયું: તમામ ૩૬ વિમાનો આકાશમાં સુરક્ષિત હોવાના સજ્જડ પુરાવા

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના એક સત્તાવાર દસ્તાવેજે પાકિસ્તાન આર્મી અને તેના ચીફ જનરલ અસીમ મુનીર દ્વારા ફેલાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્તરના સફેદ જૂઠાણાનો પર્દાફાશ કરી દીધો છે. તાજેતરમાં જ યોજાયેલા મિલિટરી ઓપરેશન બાદ પાકિસ્તાની સોશિયલ મીડિયા અને સૈન્ય વિશ્લેષકોએ દાવો કર્યો હતો કે તેમના સૈન્ય એક્શને ભારતના ત્રણ અતિઆધુનિક રાફેલ ફાઇટર જેટને તોડી પાડ્યા છે. જોકે, ૧૫ જૂન ૨૦૨૬ ના રોજ ભારતીય વાયુસેનાના એન્જિનિયરિંગ નિર્દેશાલય દ્વારા ફ્રેન્ચ એરોસ્પેસ કંપની ‘સફરાન એરક્રાફ્ટ એન્જિન્સ’ ને મોકલવામાં આવેલી નવી સત્તાવાર વિનંતી (RFP) એ પાકિસ્તાની પ્રોપગેન્ડાના લીરેલીરા ઉડાવી દીધા છે, કારણ કે આ કરાર સ્પષ્ટ કરે છે કે ભારત પાસે ખરીદેલા તમામ ૩૬ રાફેલ જેટ સંપૂર્ણપણે સુરક્ષિત અને સેવામાં સક્રિય છે.

સંરક્ષણ મંત્રાલયની વ્યૂહાત્મક ઇન્વેન્ટરી પર આધારિત આ ટેન્ડર દસ્તાવેજ મુજબ, ભારત અને ફ્રાન્સ વચ્ચે વર્ષ ૨૦૧૬ માં થયેલા મૂળ આંતર-સરકારી કરાર અંતર્ગત મળેલી પ્રારંભિક જાળવણી સહાય આગામી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સમાપ્ત થઈ રહી છે. આ પરિસ્થિતિમાં વાયુસેનાની અવિરત કામગીરી સુનિશ્ચિત કરવા માટે ફ્રેન્ચ કંપની પાસેથી પાંચ મહિનાના ખાસ ‘બ્રિજ સપોર્ટ કોન્ટ્રાક્ટ’ ની માંગ કરવામાં આવી છે. આ વચગાળાના સમયગાળા દરમિયાન તમામ ૩૬ રાફેલ વિમાનોને ઉચ્ચ કાર્યરત સ્થિતિમાં જાળવી રાખવા માટે પ્રતિ વિમાન વાર્ષિક સરેરાશ ૧૫૦ કલાક અને કુલ કાફલા માટે ૨,૨૫૦ ઉડાન કલાકોની કલ્પના કરવામાં આવી છે, જે સાબિત કરે છે કે કાફલામાંથી એક પણ વિમાન ઓછું થયું નથી.

લશ્કરી બાબતોના નિષ્ણાતોના મતે, કોઈપણ દેશ સંરક્ષણ ખરીદી કે એન્જિન મેન્ટેનન્સના કરારો માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવિક ઓન-ગ્રાઉન્ડ ઇન્વેન્ટરીના આધારે જ કરે છે, જેથી પાકિસ્તાનનો દાવો માત્ર પોતાની જનતાને છેતરવાનો સ્ટંટ સાબિત થયો છે. ભારત પાસે રહેલા આ તમામ ૩૬ શક્તિશાળી રાફેલ વિમાનો હાલમાં વાયુસેનાના નંબર ૧૭ સ્ક્વોડ્રન "ગોલ્ડન એરોઝ" (અંબાલા) અને નંબર ૧૦૧ સ્ક્વોડ્રન (હાાસીમારા) સાથે તૈનાત છે. એર ચીફ માર્શલ એપી સિંહે પાકિસ્તાની દાવાઓને વાહિયાત કથાઓ ગણાવીને ફગાવી દીધા હતા અને હવે સફરાન કંપનીને મોકલેલા આ નવા ટેન્ડરે વાયુસેનાના વડાના નિવેદન પર સત્તાવાર મહોર મારી દીધી છે કે ભારતીય આકાશ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

(10:05 PM IST)