<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

કાશ્મીરમાં લશ્કર કમાન્ડર ઠાર થયા બાદ પાકિસ્તાનની નવી નાટકબાજી: સેનાએ મારી નાખેલા મોહમ્મદ આસિફની જગ્યાએ ‘નકલી’ વ્યક્તિ રજૂ કર્યો!

OSINT અને સંરક્ષણ નિષ્ણાતોએ પાક.નો પ્રોપેગેન્ડા ખુલ્લો પાડ્યો: ફેસ મેચિંગમાં કાન, નાક અને આંખોની બનાવટ અલગ નીકળતાં ભોંઠા પડવાનો વારો આવ્યો

ઇસ્લામાબાદ:  જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના સામે સતત લપડાક ખાધા બાદ હવે પાકિસ્તાન સોશિયલ મીડિયા અને મીડિયા પ્રોપેગેન્ડા દ્વારા પોતાની નામોશી છુપાવવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના યુસમાર્ગ વિસ્તારમાં ભારતીય સુરક્ષા દળોએ એક અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ઘાતકી આતંકવાદી અને પાકિસ્તાની સેનાના ભૂતપૂર્વ સ્પેશિયલ સર્વિસ ગ્રુપ  કમાન્ડો મોહમ્મદ આસિફ ઉર્ફે હાશિમ મુસાને ઠાર માર્યો હતો. જોકે, આ ઘટનાને છુપાવવા માટે ગુરુવારે પાકિસ્તાની સેનાના DG ISPR લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આસિફ જેવા દેખાતા એક 'નકલી' વ્યક્તિને કેમેરા સામે રજૂ કર્યો હતો.

ત્યાં રજૂ કરાયેલા વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે ૨૦૦૦માં પાક. સેનામાં જોડાયો હતો, ૨૦૦૫થી ૨૦૨૩ સુધી SSG કમાન્ડો રહ્યો હતો અને હાલ જીવિત છે. પરંતુ સ્વીડિશ અને ભારતીય OSINT (ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ) એનાલિસ્ટ્સ તથા સંરક્ષણ નિષ્ણાતોએ આ દાવાની પોલ ખોલી નાખી છે.


પાકિસ્તાન દ્વારા મીડિયા સમક્ષ લાવવામાં આવેલા વ્યક્તિ અને માર્યા ગયેલા આતંકી હાશિમ મુસાના જૂના ફોટોગ્રાફ્સ વચ્ચે ચહેરાના લક્ષણો, કાન અને નાકનો આકાર તથા આંખોની ગોઠવણીમાં સ્પષ્ટ તફાવતો જોવા મળ્યા છે.

 નિવૃત્ત મેજર જનરલ હર્ષ કાકર અને બ્રિગેડિયર બ્રિજેશ પાંડેએ સોશિયલ મીડિયા પર આ મુદ્દે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યુ છે કે પાકિસ્તાને ફેક કેરેક્ટર ઉભું કરીને સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો છે.

 

ભારતીય આતંકવાદ વિરોધી અભિયાન માટે મુસાનો ખાતમો એ બહુ મોટી સફળતા માનવામાં આવે છે. બીજી તરફ, પોતાની ભૂલ છુપાવવા જતાં પાકિસ્તાન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયું છે.

(10:35 PM IST)