તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
પાકિસ્તાનનું વધુ એક નાપાક કૃત્ય: ભારતીય વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ ૨૪ નવેમ્બર, ૨૦૨૬ સુધી લંબાવ્યો
એરલાઇન્સ કંપનીઓના ઓપરેશનલ કોસ્ટ અને ફ્લાઇટના સમયમાં વધારો: પશ્ચિમના દેશો તરફ જતી ઉડાન પર અસર : પહેલા જ વર્ષમાં ₹૭,૦૦૦ કરોડનું નુકસાન

ઇસ્લામાબાદ: ભારત પ્રત્યે વૈમનસ્ય અને શત્રુતાપૂર્ણ વલણ ચાલુ રાખતા પાકિસ્તાને ભારતીય વિમાનોના પોતાના એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) માં પ્રવેશ કરવા પરનો પ્રતિબંધ વધુ એક મહિના માટે લંબાવી દીધો છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA) દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, હવે આ પ્રતિબંધ ૨૪ નવેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ નિર્ણયને કારણે ભારતીય એરલાઇન્સ, ભારતીય કંપનીઓની માલિકીના, સંચાલિત કે ભાડે રાખવામાં આવેલા કોમર્શિયલ વિમાનો તેમજ લશ્કરી ફ્લાઇટ્સના ઉડ્ડયન પર સીધી પ્રતિકૂળ અસર પડી રહી છે.
અત્રે નોંધનીય છે કે પાકિસ્તાને સૌપ્રથમ ૨૩ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ભારતીય વિમાનો માટે પોતાના એરસ્પેસના ઉપયોગ પર સંપૂર્ણ રોક લગાવી હતી. ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ પ્રતિબંધ મુદતમાં અવારનવાર વધારો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે ભારતીય એરલાઇન્સને યુરોપ, યુકે (બ્રિટન) અને ઉત્તર અમેરિકા તરફ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે અરબી સમુદ્ર અને મધ્ય પૂર્વના દેશો પરથી લાંબા અને વૈકલ્પિક રૂટ પસંદ કરવાની ફરજ પડી રહી છે.
પાકિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરવાના નિર્ણયથી ભારતીય એરલાઇન્સ ઉદ્યોગને ભારે આર્થિક ફટકો પડ્યો છે. 'ધ ટ્રિબ્યુન'ના રિપોર્ટ મુજબ, પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ થયાના પ્રથમ વર્ષમાં જ ભારતીય એરલાઇન્સને આશરે ₹૭,૦૦૦ કરોડનું કમ્બાઇન્ડ ઓપરેશનલ નુકસાન સહન કરવું પડ્યું છે. લાંબા વૈકલ્પિક રૂટ લેવાને કારણે ફ્લાઇટ્સના એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના વપરાશમાં મોટો વધારો થયો છે, જેનાથી વિમાન કંપનીઓનો સંચાલન ખર્ચ ચિંતાજનક રીતે વધી ગયો છે.
આ ઉપરાંત, લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના મુસાફરી સમયમાં કેટલાક કલાકોનો વધારો થતાં હવાઈ મુસાફરોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ઉડાનનો સમય લંબાવવાથી પાયલટો અને ક્રૂ મેમ્બર્સની ડ્યુટી કલાકોના નિયમો (FDTL), ફ્લાઇટ શેડ્યૂલિંગ તેમજ એરક્રાફ્ટની જાળવણીના આયોજન પર વધારાનું દબાણ ઊભું થયું છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
