<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

આફ્રિકા જીતવાનું પાકિસ્તાનનું સપનું રોળાયું: સાઉદી અરેબિયાએ સુદાન સાથેનો 1.5 બિલિયન ડોલરનો હથિયાર સોદો અટકાવ્યો

મુનીર અને શાહબાઝ શરીફને મોટો ઝટકો : રિયાધના કડક વલણને કારણે લિબિયા સાથેનો 4 બિલિયન ડોલરનો ડિફેન્સ પ્રોજેક્ટ પણ જોખમમાં મુકાયો

ઇસ્લામાબાદ: આફ્રિકન ખંડમાં હથિયારોના મોટા સપ્લાયર બનીને વૈશ્વિક સ્તરે પોતાનો લશ્કરી પ્રભાવ વધારવાના પાકિસ્તાનના 'આફ્રિકન ડ્રીમ' ને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને વડા પ્રધાન શાહબાઝ શરીફ દ્વારા સુદાન સાથે કરવા જઈ રહેલો $૧.૫ બિલિયન (આશરે ૧૨,૫૦૦ કરોડ રૂપિયા) નો અત્યંત મહત્વાકાંક્ષી શસ્ત્ર સોદો અચાનક રદ થઈ ગયો છે. આ કરારને પાટા પરથી ઉતારનાર બીજું કોઈ નહીં પરંતુ પાકિસ્તાનનો સૌથી નજીકનો સદાબહાર મિત્ર ગણાતું સાઉદી અરેબિયા છે. સાઉદી અરેબિયાએ આ પ્રસ્તાવિત સંરક્ષણ સોદા માટે આપનારી નાણાકીય સહાય (ફંડિંગ) ને રોકી દીધી છે અને ઇસ્લામાબાદને આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે બંધ કરવા સ્પષ્ટ આદેશ આપી દીધો છે, જેના કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું છે.

પાકિસ્તાન માટે સુદાન સાથેનો આ કરાર તેના ઇતિહાસનો સૌથી મોટો સંરક્ષણ નિકાસ સોદો માનવામાં આવતો હતો, જે ભવિષ્યમાં તેને આફ્રિકાના સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં મુખ્ય સુરક્ષા પ્લેયર બનાવી શકે તેમ હતો. આ કરાર હેઠળ પાકિસ્તાન સુદાનને K-8 કારાકોરમ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, સેંકડો આધુનિક ડ્રોન, સશસ્ત્ર સૈન્ય વાહનો અને ચીન નિર્મિત અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ્સ સપ્લાય કરવાનું હતું. આ સફળતા બાદ હોર્ન ઓફ આફ્રિકા અને પૂર્વ આફ્રિકાના અન્ય મોટા દેશો જેમ કે નાઇજીરીયા અને ઇથોપિયાના અબજો ડોલરોના સંરક્ષણ બજારોમાં પ્રવેશવાનો પાકિસ્તાનનો પ્લાન્ટ હતો. જો કે, સાઉદી અરેબિયાના અચાનક પીછેહઠ કરવાના આ કડક નિર્ણયથી સાબિત થઈ ગયું છે કે ઇસ્લામાબાદની ભૂરાજકીય પહોંચ અને સૈન્ય નિકાસ આજે પણ સંપૂર્ણપણે બાહ્ય સમર્થકો અને આરબ દેશોની મહેરબાની પર નિર્ભર છે.

આ સોદો રદ થવાના પરિણામો માત્ર સુદાન પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેની આડઅસર પાકિસ્તાનની અન્ય સૈન્ય ડીલ પર પણ પડી રહી છે. સંરક્ષણ અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયા અત્યારે આફ્રિકા ખંડમાં પોતાની રણનીતિનું પુનર્મૂલ્યાંકન કરી રહ્યું હોવાથી, લિબિયા સાથે થનારો પાકિસ્તાનનો અન્ય એક $૪ બિલિયનનો સંરક્ષણ સોદો પણ અત્યારે ભારે જોખમમાં મુકાઈ ગયો છે. જો લિબિયા સાથેની આ ડીલ પણ નિષ્ફળ જશે, તો સમગ્ર આફ્રિકામાં ઇસ્લામિક એકતા, લશ્કરી નિકાસ અને વ્યૂહાત્મક ભાગીદારીના બહાને પોતાને સ્થાપિત કરવાની પાકિસ્તાનની આશા પર કાયમ માટે પાણી ફરી વળશે. અણુબોમ્બ ધરાવતા એકમાત્ર મુસ્લિમ દેશ હોવાના મોભાનો લાભ ઉઠાવીને વિશ્વ મંચ પર પ્રભાવ જમાવવાની પાકિસ્તાનની લશ્કરી-ઔદ્યોગિક નીતિને સાઉદીએ પળવારમાં ચકનાચૂર કરી નાખી છે.

(7:03 PM IST)