News of Tuesday, 28th April 2026
આતંકવાદ પર પાકિસ્તાનની 'ડબલ ગેમ' હવે નહીં ચાલે: SCO બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનની હાજરીમાં જ 'પહેલગામ' હુમલાનો ઉલ્લેખ કરી બરાબરનું ખખડાવ્યું!
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતનો મક્કમ નિર્ધાર સાબિત: "આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, તેની સામે ઝીરો ટોલરન્સ જ અંતિમ વિકલ્પ" - રક્ષામંત્રીએ વૈશ્વિક મંચ પરથી પાડોશી દેશને ધમકાવ્યો

નવી દિલ્હી: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભારતે પાકિસ્તાનને અત્યંત કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાની પ્રતિનિધિની હાજરીમાં જ સીમાપાર આતંકવાદનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, આતંકવાદ પર હવે કોઈપણ પ્રકારના 'ડબલ સ્ટાન્ડર્ડ' (બેવડા માપદંડ) ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ પર મક્કમ છે.
પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ
પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે તાજેતરના પહેલગામ આતંકી હુમલાને યાદ કરતા કહ્યું કે, આ જઘન્ય ઘટનાએ માનવતાને હચમચાવી દીધી છે. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર કટાક્ષ કરતા જણાવ્યું કે, ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા દુનિયાને બતાવી દીધું છે કે હવે આતંકવાદના કેન્દ્રો અને ઠેકાણાઓ સજાથી બચી શકશે નહીં. ભારત પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.
આતંકવાદનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા હોતી નથી
રક્ષામંત્રીએ SCO મંચ પરથી આહવાન કર્યું કે આતંકવાદ સામેની લડાઈમાં સાતત્ય જાળવવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, "આતંકવાદનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા હોતી નથી. ઉગ્રવાદ અને કટ્ટરવાદ આજે વિશ્વ વ્યવસ્થા સામેનો સૌથી મોટો ખતરો છે." તેમણે ટીયાનજિન જાહેરાતનો પણ ઉલ્લેખ કર્યો અને તમામ સભ્ય દેશોને આતંકવાદ વિરુદ્ધ એક થઈને લડવા અપીલ કરી હતી.
યુદ્ધ નહીં, શાંતિ અને કૂટનીતિ પર ભાર
ઈરાન અને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે બોલતા રાજનાથ સિંહે મહાત્મા ગાંધીના સંદેશને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, "આંખના બદલે આંખ આખી દુનિયાને અંધી બનાવી દે છે. આ સમય હિંસા કે યુદ્ધનો નથી, પરંતુ શાંતિ અને સમૃદ્ધિનો છે." તેમણે જોર આપ્યું કે કોઈપણ દેશના વિકાસ માટે શાંતિ અને કૂટનીતિ જ સાચો રસ્તો છે અને કોઈપણ પગલું ભરતા પહેલા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પર તેની શું અસર થશે તે વિચારવું અનિવાર્ય છે.
વૈશ્વિક મંચ પર રક્ષામંત્રીના આ આક્રમક વલણે પાકિસ્તાનને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઘાડું પાડ્યું છે અને સાબિત કર્યું છે કે ભારત હવે આતંકના મુદ્દે કોઈપણ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
