તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
પાકિસ્તાનનું રક્ષણ બજેટ વધશે: આર્થિક કંગાળી વચ્ચે મિલિટરી પાવર વધારવાની પેરવી?
IMFના કરજ હેઠળ દબાયેલું પાકિસ્તાન સંરક્ષણ પાછળ વધુ ૧૦૦ અબજ રૂપિયા ખર્ચશે : ઓપરેશન સિંદૂરમાં ભારત સામેની કારમી હાર બાદ મુનીરની સેના હવે નવા હથિયારો માટે કરી રહી છે મોટું આયોજન

ઈસ્લામાબાદ: પાકિસ્તાન તેની કથળતી આર્થિક સ્થિતિ અને ભયાનક ગરીબી વચ્ચે પણ સંરક્ષણ પાછળના ખર્ચમાં જંગી વધારો કરવા જઈ રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, પાકિસ્તાન સરકાર આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે તેના સંરક્ષણ બજેટમાં ૧૦૦ અબજ પાકિસ્તાની રૂપિયાનો વધારો કરી શકે છે. IMFના અંદાજ મુજબ, પાકિસ્તાનનો કુલ સંરક્ષણ ખર્ચ ૨.૬૬ ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. નોંધનીય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાના હાથે કારમી હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાની સેના હવે પોતાની ગુમાવેલી શક્તિ પાછી મેળવવા અને નવા શસ્ત્રોની ખરીદી કરવા માટે આ જોગવાઈ કરી રહી હોય તેમ જણાય છે.
એક તરફ પાકિસ્તાન IMF પાસેથી આર્થિક સુધારા માટે મદદ માંગી રહ્યું છે, બીજી તરફ તેની ૪૦ ટકા વસ્તી આર્થિક રીતે અત્યંત સંવેદનશીલ સ્થિતિમાં જીવી રહી છે. IMFના અહેવાલ મુજબ પાકિસ્તાનની કુલ સંઘીય આવક ૧૭.૧૪ ટ્રિલિયન રૂપિયા થવાનો અંદાજ છે, જે ગત વર્ષ કરતા ૧૩.૫ ટકા વધુ છે. સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરની સેનાને વધુ મજબૂત કરવાના આ પ્રયાસો ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે આ વધારાના ભંડોળનો મોટો હિસ્સો મિસાઇલ ટેકનોલોજી અને આધુનિક યુદ્ધ સામગ્રી પાછળ ખર્ચાઈ શકે છે.
આર્થિક સુધારાના ભાગરૂપે પાકિસ્તાને ૨૦૨૭ સુધીમાં તમામ સરકારી ચૂકવણીઓને ડિજિટલ કરવાનું અને ભ્રષ્ટાચારથી ખદબદતી ટોચની ૧૦ સંસ્થાઓનું ઓડિટ કરવાનું વચન આપ્યું છે. જોકે, ભૂખમરો અને બેરોજગારી સામે લડવાને બદલે સંરક્ષણ બજેટમાં કરવામાં આવતો આ વધારો પાકિસ્તાનની પ્રાથમિકતાઓ સામે અનેક સવાલો ઉભા કરે છે. IMFનું મિશન હાલ પાકિસ્તાનમાં બજેટ ચર્ચાઓ માટે હાજર છે અને આવતા મહિના સુધીમાં આ બજેટ સંસદમાં રજૂ કરવામાં આવશે. ભારત સામેના પાછલા યુદ્ધોમાં પરાજય છતાં સૈન્ય તાકાત વધારવાની આ હોડ દક્ષિણ એશિયામાં ફરી તણાવ વધારી શકે છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
