<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

રાહુલ ગાંધી ઘાયલ થયાના ફેક ન્યૂઝ ફેલાવનાર પાકિસ્તાની X એકાઉન્ટ ભારતમાં બેન : દિલ્હી પોલીસે IP પાકિસ્તાનથી ટ્રેસ કર્યો

દિલ્હીમાં SIR વિરોધ પ્રદર્શન દરમિયાન 2019 નો જૂનો વીડિયો વાયરલ કરી દાવો કર્યો હતો કે પોલીસે ફાયરિંગ કર્યું અને રાહુલ ગાંધી ઘાયલ થયા : ISI ના 5000 ફેક એકાઉન્ટથી ડિજિટલ જેહાદનું પર્દાફાશ

નવી દિલ્હી તા. 15 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ઘર પર હુમલો થયો અને તેઓ પોલીસ ફાયરિંગમાં ઘાયલ થયા હોવાના ફેક ન્યૂઝ ફેલાવનાર પાકિસ્તાની X (ટ્વિટર) એકાઉન્ટને ભારતમાં બેન કરવામાં આવ્યું છે.

 

દિલ્હી પોલીસ સાયબર સેલની તપાસમાં ખુલાસો થયો છે કે, @indiantiwari01 નામનું એકાઉન્ટ જે પોતાને 'Anushi Tiwari Indian' તરીકે ઓળખાવતું હતું, તેનો IP એડ્રેસ પાકિસ્તાનમાં ટ્રેસ થયો છે. આ એકાઉન્ટે દિલ્હીમાં ચાલી રહેલા SIR વિરોધ પ્રદર્શન દરમિયાન 13 ઓક્ટોબરે એક વીડિયો વાયરલ કરીને દાવો કર્યો હતો કે, "અમિત શાહના ઈશારે દિલ્હી પોલીસે રાહુલ ગાંધીના ઘર પર હુમલો કર્યો છે અને ગોળીબાર થયો છે."

 

તપાસમાં સામે આવ્યું કે આ વીડિયો ડિસેમ્બર 2019 માં CAA વિરોધ પ્રદર્શન દરમિયાન ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીનો હતો અને તેનો હાલની ઘટના સાથે કોઈ સંબંધ નથી. દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી કે પોલીસે કોઈ ફાયરિંગ કર્યું નથી અને 13 લોકોના મોત અને રાહુલ ગાંધી ઘાયલ થયાના દાવા તદ્દન ખોટા છે.

 

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર ISI દ્વારા 'Operation Ground Wire' હેઠળ 5000 થી વધુ ફેક એકાઉન્ટ બનાવીને ભારતમાં અફવાઓ ફેલાવવાનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. આનો ઉદ્દેશ કોંગ્રેસ સમર્થકોને ઉશ્કેરીને અન્ય શહેરોમાં પણ હિંસા અને વિરોધ પ્રદર્શન ભડકાવવાનો હતો. India Today ની તપાસ બાદ આ એકાઉન્ટને X પર ભારતમાં બ્લોક કરવામાં આવ્યું છે અને અન્ય શંકાસ્પદ એકાઉન્ટ્સ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

(4:51 PM IST)