તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
ગુવાહાટીમાં પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ: આસામ STFએ દેશવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા બીજા શંકાસ્પદની કરી ધડપકડ
સંવેદનશીલ સુરક્ષા માહિતી પાકિસ્તાની હેન્ડલર્સને પહોંચાડવાના કેસમાં બિહારના રિતેશ સિંહની ધરપકડ: ડિજિટલ પુરાવા જપ્ત

ગુવાહાટી : આસામ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા હાથ ધરવામાં આવેલા એક સફળ ઓપરેશનમાં ગુવાહાટી ખાતેથી પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટિવ (PIO) ને ભારતીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ અને ગુપ્ત માહિતી પૂરી પાડતા દેશવિરોધી જાસૂસી રેકેટનો પર્દાફાશ થયો છે. કાયદા અમલીકરણ એજન્સીઓએ આ કેસમાં કથિત સંડોવણી બદલ બીજા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. ગુવાહાટીના સતગાંવ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ બિહારના બેગુસરાયના વતની ૩૯ વર્ષીય રિતેશ કુમાર સિંહની અટકાયત બાદ પૂછપરછ હાથ ધરીને તેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રિતેશ કુમાર સિંહ મુખ્ય આરોપી અભિષેક કુમાર સિંહને જાસૂસી પ્રવૃત્તિઓમાં મદદ કરી રહ્યો હતો. મુખ્ય આરોપી અભિષેકની આ જ કેસ (STF PS કેસ નંબર ૦૯/૨૦૨૬) અંતર્ગત રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ જાસૂસી નેટવર્ક સામેની કાર્યવાહી આસામ STFને મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે શરૂ કરવામાં આવી હતી.
અગાઉ ૩ અને ૪ ઓક્ટોબરની મધ્યરાત્રિએ હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના વતની ૩૧ વર્ષીય અભિષેક કુમાર સિંહને સતગાંવના ગાંધીનગરમાં આવેલા ભાડાના મકાનમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રારંભિક ઓપરેશન વખતે સુરક્ષા દળોએ અભિષેકના કબજામાંથી મોબાઈલ ફોન, વિવિધ સિમ કાર્ડ્સ અને દેશની સુરક્ષાને સ્પર્શતા અનેક પ્રતિબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
પોલીસ પૂછપરછમાં બહાર આવેલી વિગતો મુજબ, મુખ્ય આરોપી અભિષેક પાકિસ્તાની હેન્ડલર્સના સતત સંપર્કમાં હતો અને ભારતીય સંરક્ષણ માળખા તેમજ લશ્કરી દળોની હિલચાલ અંગેની ક્ષણે-ક્ષણની ગુપ્ત માહિતી સરહદ પાર પહોંચાડતો હતો. રિતેશ કુમાર સિંહની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તે આ સંવેદનશીલ ડેટા એકત્ર કરવામાં અને તેને પાકિસ્તાની એજન્ટો સુધી પહોંચાડવામાં અભિષેકને સક્રિયપણે સાથ આપી રહ્યો હતો.
આ બંને ધરપકડો આસામ STF પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ કરવામાં આવી છે. હાલમાં કાઉન્ટર-ઇન્ટેલિજન્સ યુનિટ્સ અને STF ના વિશ્લેષકો જપ્ત કરવામાં આવેલા ડિજિટલ સાધનો અને ફોન રેકોર્ડ્સનું ટેકનિકલ મૂલ્યાંકન કરી રહ્યા છે. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય જાસૂસી નેટવર્કનો સંપૂર્ણ વ્યાપ જાણવાનો, નાણાકીય વ્યવહારો શોધી કાઢવાનો અને અન્ય કોઈ સ્થાનિક સાથીદારો કે અંદરના સંપર્કો આ ષડયંત્રમાં સામેલ છે કે કેમ તે બહાર લાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વોત્તર ભારતમાં સક્રિય આંતરરાષ્ટ્રીય જાસૂસી નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સુરક્ષા એજન્સીઓએ પોતાની તપાસ તેજ બનાવી છે. પકડાયેલા બંને આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન આગામી દિવસોમાં દેશના અન્ય ભાગોમાં ફેલાયેલા આ જાસૂસી નેટવર્ક અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
