તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
અમેરિકાની ધરતી પરથી પાકિસ્તાની સાંસદે ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર
ન્યૂયોર્કમાં આયોજિત કાર્યક્રમમાં પીપીપી નેતા રાણા મહમૂદ-ઉલ-હસને મર્યાદા ઓળંગી : ઇતિહાસના પાનાઓમાંથી ભારતનું નામ મિટાવી દેવાની ઉશ્કેરણીજનક વાત કરી

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં પાકિસ્તાની સેનેટર રાણા મહમૂદ-ઉલ-હસને ભારત વિરુદ્ધ અત્યંત વાંધાજનક અને ભડકાઉ નિવેદન આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ છેડ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના આ વરિષ્ઠ નેતાએ લોકશાહીના મજબૂત મંચ ગણાતા અમેરિકાનો ઉપયોગ ભારતને ધમકાવવા માટે કર્યો હતો. તેમણે પોતાના ઉશ્કેરણીજનક ભાષણમાં જમ્મુ-કાશ્મીર મુદ્દે રાગ આલાપવાની સાથે-સાથે ભારતને "નાશ પામવાની" ગર્ભિત ધમકી આપી હતી. આ ઘટનાનો પર્દાફાશ અમેરિકન પત્રકાર એમી મેકે સોશિયલ મીડિયા દ્વારા કર્યો, જેના કારણે વૈશ્વિક સ્તરે પાકિસ્તાની નેતાઓની માનસિકતા પર સવાલો ઉઠી રહ્યા છે.
સેનેટર રાણાએ ઇતિહાસ અને યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો ભારત પાકિસ્તાનની શરતો પર નહીં સમજે તો ભારતીયોનું અસ્તિત્વ ઇતિહાસના પાનાઓમાંથી ભૂંસાઈ જશે. તેમણે પાકિસ્તાની સેના દ્વારા 2025 માં કરવામાં આવેલી કથિત કાર્યવાહીઓના વખાણ કરતા, ત્યાં હાજર સમુદાયને છેલ્લા શ્વાસ સુધી ભારત સામે લડવા માટે ઉશ્કેર્યા હતા. રાણાએ શાયરાના અંદાજમાં "સફિના (નૌકા) ડૂબાડી દેવાની" વાત કરીને આડકતરી રીતે આત્મઘાતી અભિગમ અપનાવવાની પણ વાત કરી હતી. કાશ્મીર મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી ભારત સામે દરેક મોરચે જંગ ચાલુ રાખવાની તેમની આ વાતને વિશ્લેષકો આતંકવાદને પ્રોત્સાહન આપનારા નિવેદન તરીકે જોઈ રહ્યા છે.
આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર આક્રોશની જ્વાળા ફાટી નીકળી છે. પત્રકાર એમી મેકે અમેરિકી વહીવટીતંત્રને અપીલ કરી છે કે જે નેતાઓ અમેરિકાની ધરતીનો ઉપયોગ લોકશાહી સાથી દેશો વિરુદ્ધ નફરત ફેલાવવા માટે કરે છે, તેમના પર કાયમી પ્રતિબંધ મૂકવો જોઈએ. ભારતીય નેટીઝન્સ અને વિશ્વભરના લોકો આ ભાષણને અત્યંત બેજવાબદાર ગણાવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આર્થિક સંકટમાં ફસાયેલું હોવા છતાં, પાકિસ્તાનનું નેતૃત્વ હજુ પણ શાંતિના માર્ગે ચાલવાને બદલે ભારત વિરોધી માનસિકતાને જ પ્રાધાન્ય આપી રહ્યું છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
