તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
સરહદ પારથી લોહીયાળ ખેલ ખેલવાનું પાકિસ્તાની ગેંગસ્ટરનું મોટું કાવતરું નિષ્ફળ: દિલ્હી અને પંજાબની હોસ્પિટલો સહિત રાજકીય કાર્યાલયોને બોમ્બથી ઉડાવી દેવાનો હતો પ્લાન!
ઓપરેશન પાર પાડીને ચાર ખતરનાક શંકાસ્પદ આતંકીઓની ધરપકડ : ભીડભાડવાળી હોસ્પિટલો,વીઆઈપી લોકેશન્સ પર રેકી કરીને તમામ સંવેદનશીલ વિગતો પાકિસ્તાન મોકલવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો

ચંદીગઢ: પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા કુખ્યાત ગેંગસ્ટર શહજાદ ભટ્ટી અને આબિદ જાટના નાપાક નેટવર્ક દ્વારા ભારતમાં તબાહી મચાવવાનું એક ખૂબ જ મોટું અને લોહીયાળ કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ આ નેટવર્ક સાથે જોડાયેલા ચાર કટ્ટર શંકાસ્પદો — મહકબ, ગગનદીપ સિંહ ઉર્ફે ગુરી, શાહરૂખ અને મુશર્રફની ધરપકડ કરીને આખા મોડ્યુલનો ભાંડાફોડ કર્યો છે. આ આતંકીઓનો અસલી ઇરાદો દિલ્હી અને પંજાબના હાર્દ સમાન વિસ્તારોમાં મોટા બોમ્બ બ્લાસ્ટ અને ટાર્ગેટ કિલિંગ (પસંદગીના લોકોની હત્યા) કરીને દેશમાં અશાંતિ અને દહેશતનો માહોલ ઊભો કરવાનો હતો.
તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો અનુસાર, આ આખા કાવતરાની બ્લુપ્રિન્ટ પાકિસ્તાનની ધરતી પર જ તૈયાર કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી મહકબ અને ગગનદીપ સિંહે દિલ્હી અને પંજાબની વ્યસ્ત અને ભીડભાડવાળી હોસ્પિટલો, એક જાણીતા રાજકીય પક્ષની મુખ્ય ઓફિસ અને પંજાબના એક સ્కూલ માલિકના ઠેકાણાઓની 'રેકી' (સ્થળની ગુપ્ત તપાસ) કરી લીધી હતી. આ લોકોએ માત્ર સ્થળની મુલાકાત જ નહોતી લીધી, પરંતુ ત્યાંના હાઇ-ડેફિનેશન વીડિયો, ફોટોગ્રાફ્સ અને ચોક્કસ જીપીએસ (GPS) લોકેશન પણ એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા શહજાદ ભટ્ટીને મોકલી આપ્યા હતા, જેથી હુમલાને સચોટ રીતે અંજામ આપી શકાય.
આ ભયાનક પ્લાન અંતર્ગત અન્ય બે શંકાસ્પદો, શાહરૂખ અને મુશર્રફને હથિયારો તથા ઘાતક વિસ્ફોટકો એકઠા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર હોસ્પિટલોને બોમ્બથી કેવી રીતે ઉડાવી શકાય અને વિસ્ફોટો મહત્તમ નુકસાન કેવી રીતે કરી શકે તેની ટેકનિકલ માહિતી શોધી રહ્યા હતા. પાકિસ્તાનથી શસ્ત્રોની ડિલિવરી મળતાં જ આ લોકો બ્લાસ્ટ કરવાના ફિરાકમાં હતા. જોકે, ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓએ અત્યાર સુધીમાં ભટ્ટીના ચાર અલગ-અલગ મોડ્યુલને તોડી પાડીને ૧૫૦થી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરી છે, જેના કારણે આ મોટો ખતરો ટળી ગયો છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
