<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

ડ્રગ્સનું પાકિસ્તાની કનેક્શન: સ્નેપચેટ પાછળ છુપાયેલો ‘ડી ખાન’ કોણ છે?

પંજાબના હાઈ-પ્રોફાઈલ લોકો સુધી ‘આઈસ’ ડ્રગ્સ પહોંચાડતું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઝડપાયું: કાળા કોટવાળા વકીલ અને તેમની મહિલા સાથીદારે પોલીસની આંખમાં ધૂળ નાખવા રચ્યું હતું ષડયંત્ર

નવી દિલ્હી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને ચંદીગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાનથી ઓપરેટ થતા એક અત્યંત ખતરનાક અને હાઈ-ટેક ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ આખા નેટવર્કનો અસલી માસ્ટરમાઈન્ડ પાકિસ્તાનમાં બેઠેલો ‘ડી ખાન’ નામનો હેન્ડલર છે, જે ત્યાં રહીને ભારતમાં ડ્રગ્સનું ઝેર વાવી રહ્યો છે. ભારતીય તપાસ એજન્સીઓ હવે ખૂબ જ ગંભીરતાથી એ શોધવામાં લાગી ગઈ છે કે આ રહસ્યમય ‘ડી ખાન’ આખરે કોણ છે અને પાકિસ્તાનની કઈ ગુપ્ત જગ્યાએથી આ કાળો કારોબાર ચલાવી રહ્યો છે.

આ આંતરરાષ્ટ્રીય નેટવર્કને ભારતમાં ફેલાવવા માટે પંજાબના એક વકીલ અને તેમની લિવ-ઈન પાર્ટનર (મહિલા) મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. પંજાબના ખારર વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર દરોડા પાડીને પોલીસે વકીલ અને તે મહિલા બંનેની ધરપકડ કરી લીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ વકીલ પંજાબ અને ચંદીગઢના હાઈ-પ્રોફાઈલ લોકો અને નશાના બંધાણીઓને મોંઘીદાટ ‘આઈસ ડ્રગ્સ’ (મેથામ્ફેટામાઇન) સપ્લાય કરતો હતો. પોલીસ કાયદાના રક્ષક એવા વકીલ પર શંકા ન કરે, તે માટે આ મહિલા ડ્રગ્સની ડિલિવરી આપવા પાયલોટ તરીકે સાથે જતી હતી જેથી પોલીસ નાકાબંધી સરળતાથી પાર કરી શકાય.

તપાસ એજન્સીઓને આ ઓપરેશન દરમિયાન 793 ગ્રામ અત્યંત શુદ્ધ મેથામ્ફેટામાઇન (આઈસ), 10 ગ્રામ હેરોઈન અને 250 ગ્રામ ખસખસનો ભૂકો મળી આવ્યો છે, જેની કિંમત કરોડોમાં અંકાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ડ્રગ્સ પાકિસ્તાનમાં એફેડ્રા નામના ખાસ છોડમાંથી તૈયાર કરીને ભારતમાં સરહદ પાર મોકલવામાં આવતું હતું. આ ગેંગના સભ્યો એજન્સીઓની નજરથી બચવા માટે સામાન્ય ફોન કોલ્સને બદલે ‘સ્નેપચેટ’  એપ પર વાત કરતા હતા અને ડ્રગ્સના વેચાણમાંથી મળેલા કરોડો રૂપિયા જમ્મુ-કાશ્મીરના રસ્તે ‘હવાલા’ નેટવર્ક દ્વારા પાકિસ્તાન મોકલાતા હતા. હાલમાં આ તમામ પાસાઓ પર એજન્સીઓ ઊંડી તપાસ કરી રહી છે.

(10:19 PM IST)