તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
બલૂચિસ્તાનમાં બીએલએ સંગઠનનો પાકિસ્તાની સેના પર અત્યાર સુધીનો સૌથી મોટો આત્મઘાતી ફિદાયીન હુમલો : ગ્વાદરના જીવાનીમાં કોસ્ટ ગાર્ડ કેમ્પને બોમ્બથી ઉડાવી દેવાતા ૩૦થી વધુ જવાનોના કમકમાટીભર્યા મોત
અતાઉલ્લાહ બલૂચે વિસ્ફોટકોથી ભરેલી ટ્રક સૈન્ય છાવણી સાથે અથડાવી આખો કેમ્પ કાટમાળમાં ફેરવી નાખ્યો : મુખ્ય બ્લાસ્ટ બાદ ફતેહ સ્ક્વોડના લડવૈયાઓએ જીવતા બચેલા સૈનિકોને સામસામેની લડાઈમાં વીણી વીણીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો દાવો

બલૂચિસ્તાન: પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી એક અત્યંત મોટા અને લોહિયાળ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા ગ્વાદરના જીવાની વિસ્તારમાં આવેલા પાકિસ્તાન કોસ્ટ ગાર્ડના કિલ્લા જેવા મજબૂત સૈન્ય કેમ્પ પર એક ભયાનક આત્મઘાતી ફિદાયીન હુમલો કરવામાં આવ્યો છે. આ ભીષણ હુમલાની જવાબદારી સ્વીકારતા બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે આ સૈન્ય ઓપરેશનમાં પાકિસ્તાની સુરક્ષા દળોના ૩૦થી વધુ જવાનો ઘટનાસ્થળે જ માર્યા ગયા છે અને અન્ય ડઝનબંધ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 'દ બલૂચિસ્તાન પોસ્ટ' ના અહેવાલો અનુસાર, શુક્રવારે સાંજે આ અત્યંત જોખમી અને મોટા ઓપરેશનને બીએલએની સૌથી ઘાતક ગણાતી ખાસ મજીદ બ્રિગેડ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રતિબંધિત સંગઠન દ્વારા અતાઉલ્લાહ બલૂચ ઉર્ફે અજમલ તરીકે ઓળખાવવામાં આવેલા એક આત્મઘાતી હુમલાખોરે શુક્રવારે સાંજે સ્થાનિક સમય મુજબ આશરે ૬:૩૨ વાગ્યે ભારે માત્રામાં શક્તિશાળી વિસ્ફોટકોથી લદેલી એક મઝદા ટ્રકને પાકિસ્તાન કોસ્ટ ગાર્ડના મુખ્ય સુરક્ષા કેમ્પના પ્રવેશદ્વાર અને અંદરના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાવી દીધી હતી. આ ટક્કર થતાની સાથે જ એટકો પ્રચંડ વિસ્ફોટ થયો હતો કે આખું ગ્વાદર અને જીવાની પનવાન ક્ષેત્ર ધ્રૂજી ઉઠ્યું હતું. બીએલએના સત્તાવાર પ્રવક્તા જીયાન બલૂચે આ અંગે એક વિગતવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે આ પ્રચંડ ધડાકાને કારણે પાકિસ્તાની કોસ્ટ ગાર્ડનો મજબૂત ઔપનિવેશિક કેમ્પ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે અને મલબાના ઢગલામાં ફેરવાઈ ગયો છે.
બીએલએની સત્તાવાર મીડિયા વિંગ 'હક્કલ' દ્વારા આ ભયાનક હુમલાનો એક ૪૩ સેકન્ડનો વીડિયો ક્લિપ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિસ્ફોટકોથી ભરેલી ટ્રક કેમ્પના સંકુલમાં ખૂબ જ ઝડપથી પ્રવેશી રહી છે અને તેના ગણતરીની પળોમાં જ એક અત્યંત પ્રચંડ અને આકાશને આંબી જાય તેવો બ્લાસ્ટ થાય છે. ત્યારબાદ જાહેર કરવામાં આવેલા અન્ય ફૂટેજમાં લશ્કરી છાવણીની મોટી ઇમારતો અને સંરક્ષણ માળખાનો એક બહુ મોટો hસ્સો સંપૂર્ણપણે તબાહ થઈ ગયેલો અને રાખમાં ફેરવાયેલો નજરે પડી રહ્યો છે. આ આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારો પણ ધણધણી ઉઠ્યા હતા.
બલૂચ અલગતાવાદી જૂથે વધુમાં ખુલાસો કર્યો છે કે આ પ્રારંભિક વાહન બોમ્બ બ્લાસ્ટ બાદ યોજનાબદ્ધ રીતે બીજા તબક્કાનો હુમલો શરૂ કરવામાં આવ્યો હતો. સંગઠનની ટેક્ટિકલ વિંગ તરીકે ઓળખાતી 'ફતેહ સ્ક્વોડ' ના હથિયારબંધ લડવૈયાઓ તરત જ જમીની સ્તરે સક્રિય થયા હતા. બીએલએના નિવેદન મુજબ, બોમ્બ ધડાકાના તુરંત બાદ ફતેહ સ્ક્વોડની મુખ્ય ટુકડી અત્યંત ઝડપ અને વ્યવસ્થિત વ્યૂહરચના સાથે આગળ વધી હતી અને ચારેય તરફથી તે ધ્વસ્ત થયેલા સૈન્ય કેમ્પને ઘેરી લઈને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બળવાખોરોનો દાવો છે કે ફતેહ સ્ક્વોડના લડવૈયાઓએ કેમ્પની અંદર હાજર અને બ્લાસ્ટમાં જીવતા બચી ગયેલા પાકિસ્તાની કોસ્ટ ગાર્ડના જવાનો સાથે સામસામે સીધો સશસ્ત્ર મુકાબલો કર્યો હતો.
આ સંયુક્ત ઓપરેશન દરમિયાન કોસ્ટ ગાર્ડના જવાનોને બચવાની કોઈ તક મળી ન હતી અને સામસામેની લડાઈમાં ૩૦થી વધુ જવાનોને સ્થળ પર જ ઢાળી દેવામાં આવ્યા હતા. બીએલએના પ્રવક્તાએ આ અંગે ઉમેર્યું હતું કે કાટમાળ નીચે દબાયેલા લોકો અને ગંભીર રીતે ઘાયલ થયેલા સૈનિકોની અત્યંત નાજુક સ્થિતિને જોતા સૈન્યના મૃતકોની સંખ્યામાં હજી પણ મોટો વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે. આ હુમલા બાદ સમગ્ર પાકિસ્તાની સૈન્યમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે. સંગઠને જણાવ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ પોતાના સત્તાવાર ચેનલો અને મીડિયા માધ્યમો દ્વારા આ આખા સૈન્ય ઓપરેશનની સંપૂર્ણ વિગતો અને દસ્તાવેજો જાહેર કરશે. પ્રતિબંધિત સંગઠને પાકિસ્તાની સુરક્ષા દળોને ખુલ્લી ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે તેમનું આ સશસ્ત્ર અભિયાન તે જ ગતિ અને તીવ્રતા સાથે સતત ચાલુ રહેશે, જ્યાં સુધી બલૂચિસ્તાનની સંપૂર્ણ આઝાદીનો તેમનો અંતિમ લક્ષ્ય પ્રાપ્ત ન થઈ જાય.
(8:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
