તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
પાકિસ્તાને સાઉદી અરેબિયાના રક્ષણ માટે સરહદો ખાલી કરી! મિસાઇલો, એર ડિફેન્સ સિસ્ટમ અને કામિકાઝ ડ્રોનની મોટી ખેપ રવાના
સપ્ટેમ્બર 2025ના રક્ષા કરાર હેઠળ ઇસ્લામાબાદનો મોટો દાવ: હુતી બળવાખોરોના હુમલા વચ્ચે સાઉદીના શહેરોને બચાવવા સેના અને વિમાનો તૈનાત, બદલામાં મસમોટી નાણાકીય સહાય મળ્યાનો દાવો

ઇસ્લામાબાદ : મધ્ય પૂર્વમાં વધતા ગંભીર તણાવ અને યમનના હુતી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયા પર થઈ રહેલા સતત ડ્રોન અને મિસાઇલ હુમલાઓ વચ્ચે પાકિસ્તાને એક અત્યંત મોટો અને જોખમી વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. અહેવાલો મુજબ, સાઉદી અરેબિયાની સુરક્ષા પ્રણાલીને મજબૂત કરવા માટે ઇસ્લામાબાદે પોતાની સરહદોની પરવા કર્યા વિના મિસાઇલો, રોકેટ, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ (એર ડિફેન્સ સિસ્ટમ્સ) અને પાકિસ્તાની બનાવટના આધુનિક ડ્રોનનો મોટો જથ્થો રિયાધ ખાતે મોકલવાનું શરૂ કરી દીધું છે. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સુરક્ષા ચિંતાઓને દૂર કરવા માટે પાકિસ્તાની વાયુસેનાના IL-78 જેવા કાર્ગો અને પરિવહન વિમાનો દ્વારા શસ્ત્રો અને સૈનિકોની સતત હેરફેર કરવામાં આવી રહી છે.
આ સમગ્ર લશ્કરી જમાવટ અને શસ્ત્રોની સપ્લાય પાછળ સપ્ટેમ્બર 2025માં બંને દેશો વચ્ચે હસ્તાક્ષર કરાયેલા ઐતિહાસિક 'સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ' (SMDA) ને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. આ કરારની શરત મુજબ કોઈપણ એક દેશ પર થતો હુમલો બંને દેશો પરનો હુમલો માનવામાં આવશે. આ જ કરાર હેઠળ પાકિસ્તાને નાના-નાના જૂથોમાં પોતાના વિશેષ સૈનિકોને પણ સાઉદી અરેબિયાના મહત્વપૂર્ણ શહેરો અને તેલ ક્ષેત્રોની સુરક્ષા માટે તૈનાત કર્યા છે. જોકે, સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તૈનાત કરાયેલા સૈનિકોની ચોક્કસ સંખ્યા અને એર ડિફેન્સ સિસ્ટમના મોડેલ અંગે હજુ સુધી સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.
જોકે, આ સૈન્ય સહયોગ માત્ર ભાઈચારા કે રાજકીય મિત્રતા પૂરતો સીમિત નથી, પરંતુ તેની પાછળ એક મોટો આર્થિક સ્વાર્થ પણ છુપાયેલો હોવાનું સામે આવ્યું છે. વરિષ્ઠ સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયાને આટલા મોટા પ્રમાણમાં લશ્કરી સાધનો અને કમાન્ડો પૂરા પાડવાના બદલામાં આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને સાઉદી સરકાર તરફથી ભારે નાણાકીય મદદ અને આર્થિક પેકેજ મળી રહ્યું છે. આમ, એક તરફ રિયાધને પોતાનો જૂનો અને વિશ્વાસુ સૈન્ય સાથીદાર મળી ગયો છે, તો બીજી તરફ પાકિસ્તાન માટે આ કરાર વ્યૂહાત્મક સુરક્ષાની સાથે સાથે પોતાની અર્થવ્યવસ્થાને ટેકો આપવાનું એક મોટું માધ્યમ બની રહ્યો છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
