News of Sunday, 16th August 2026
બલુચિસ્તાન 'સ્વતંત્ર' જાહેર થતાં પાકિસ્તાન થરથર કાંપ્યું: ખુઝદાર સહિત અનેક શહેરોમાં આકરો લશ્કરી કરફ્યુ અને લોકડાઉન
બલૂચ લિબરેશન આર્મીના ભયાનક હુમલાઓ વચ્ચે પાકિસ્તાની વાયુસેનાના F-16 અને ડ્રોન દ્વારા બોમ્બમારો : ઇન્ટરનેટ સેવાઓ ઠપ્પ અને ગેસ પાઇપલાઇન ઉડાવી દેવાતા કટોકટી ઘેરી બની

ક્વેટા : બલુચિસ્તાનમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી અને બલૂચ પ્રજા દ્વારા પોતાને પાકિસ્તાનથી અલગ સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરી દેવાની ઘટના બાદ પાકિસ્તાની શાસનમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. પ્રદેશમાં વણસતી પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે પાકિસ્તાની સેનાએ અત્યંત દમનકારી વલણ અપનાવી ખુઝદાર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં અનિશ્ચિત મુદતનું કડક લોકડાઉન અને કરફ્યુ લાદી દીધો છે. નાગરિકોને ઘરમાંથી બહાર નીકળવા પર મનાઈ હુકમ ફરમાવાયો છે, જેના કારણે બજારો, વાહનવ્યવહાર અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે અને સમગ્ર વિસ્તાર લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયો છે.
સ્થિતિ એટલી હદે વિકટ બની ગઈ છે કે પાકિસ્તાની સેનાએ પોતાના જ નાગરિકો સામે F-16 ફાઇટર જેટ, ગનશિપ હેલિકોપ્ટર અને સશસ્ત્ર ડ્રોન દ્વારા ખુઝદાર, ખારાન, જિયારત અને કલાત જેવા વિસ્તારોમાં ભયાનક હવાઈ હુમલા અને બોમ્બમારો શરૂ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન અનેક નિર્દોષ ખેડૂતો અને નાગરિકોના મોત થયાના અહેવાલો સાંપડ્યા છે. બીજી તરફ, સશસ્ત્ર બળવાખોર જૂથ 'બલૂચ લિબરેશન આર્મી' (BLA) એ પલટવાર કરતાં માત્ર એક જ અઠવાડિયામાં 38 જેટલા હુમલા કરી 32 પાકિસ્તાની સૈનિકોને ઠાર મારવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત, ક્વેટાને ગેસ પહોંચાડતી 18 ઇંચની મુખ્ય પાઇપલાઇન ધમાકા સાથે ઉડાવી દેવામાં આવતા છ જિલ્લાઓમાં બળતણનું ભારે સંકટ ઊભું થયું છે.
પાકિસ્તાન સરકારે પ્રદેશનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કાપી નાખવા માટે ઇન્ટરનેટ અને તમામ સંચાર સેવાઓ બ્લોક કરી દીધી છે. આમ છતાં, બલૂચ યાકજાહાતી સમિતિના નેતૃત્વ હેઠળ હજારો મહિલાઓ, યુવાનો અને સામાન્ય નાગરિકો લશ્કરી અત્યાચારો અને ગેરકાયદેસર અપહરણો સામે વીરતાપૂર્વક રસ્તા પર ઉતરી આવ્યા છે. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો પર પાકિસ્તાની દળો દ્વારા વિખેરવા માટે સીધો ગોળીબાર અને લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે, જેનાથી જનરોષ ચરમસીમાએ પહોંચ્યો છે. હાલમાં બલૂચ સમુદાયે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાની સેના દ્વારા થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનો સામે તાત્કાલિક પગલાં લેવા અને બલુચિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા આજીજી કરી છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
