તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
પાણીના એક-એક ટીપા માટે તરસતું પાકિસ્તાન: ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં જળસંકટે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ
૪૯ ડિગ્રીની અસહ્ય ગરમી વચ્ચે સૈન્ય ચોકીઓથી લઈને સામાન્ય નાગરિકોના ઘરો સુધી હાહાકાર : સદીઓ જૂની કૃષિ પદ્ધતિઓ અને વહીવટી ગેરવહીવટે દેશને લોહીના આંસુ રડવા મજબૂર કર્યો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં કથળતી આર્થિક સ્થિતિ વચ્ચે હવે એક નવું અને અત્યંત ભયાનક સંકટ દેશને ભરડામાં લઈ રહ્યું છે, અને તે છે પીવાના પાણીની અછત. પાકિસ્તાનની રાજકીય રાજધાની ઇસ્લામાબાદ અને સૈન્ય મુખ્યાલય ગણાતા રાવલપિંડીમાં પાણીની કટોકટી એટલી ગંભીર તબક્કામાં પહોંચી ગઈ છે કે સામાન્ય જનતાથી લઈને સરહદ પર તૈનાત સૈનિકો પણ પાણીના એક-એક ટીપા માટે ઝંખી રહ્યા છે. ૪૯ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં લશ્કરી ચોકીઓ પર બેઠેલા પાકિસ્તાની જવાનો પીવાના પાણી વિના ભારે કષ્ટ ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ત્રસ્ત બનેલા લોકો સોશિયલ મીડિયા પર વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરની સરમુખત્યારશાહી તેમજ વહીવટી નિષ્ફળતાઓને ખુલ્લેઆમ કોસી રહ્યા છે.
અહેવાલ અનુસાર, રાવલપિંડી અને તેની આસપાસના વિસ્તારોને દરરોજ ૧૩૦ મિલિયન ગેલન પાણીની સખત જરૂરિયાત છે, જેની સામે વહીવટીતંત્ર માંડ અડધો પુરવઠો પૂરો પાડી શકે છે. રાવલપિંડી કેન્ટોનમેન્ટ બોર્ડની સ્થિતિ સૌથી વધુ દયનીય છે, જ્યાં ૫૦ મિલિયન ગેલનની જરૂરિયાત સામે ખાનપુર ડેમ અને ટ્યુબવેલમાંથી માત્ર ૧૨.૭૮ મિલિયન ગેલન પાણી જ મળી રહ્યું છે. ગાઝી વોટર ચેનલ દ્વારા સિંધુ નદીમાંથી પાણી લાવવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વર્ષોથી સરકારી ફાઇલોમાં અટવાયેલો પડ્યો છે. સ્થાનિક નાગરિકો હવે ચાહાન, દાદુચા અને ચેહરા ડેમ પ્રોજેક્ટ્સ પૂર્ણ થાય તેની આશા રાખીને બેઠા છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ત્યાં સુધીમાં વધતી જતી વસ્તી આ પ્રોજેક્ટના ફાયદાઓને પણ ગળી જશે.
પાકિસ્તાનની આ દુર્દશા કોઈ કુદરતી આફત નથી, પરંતુ સંપૂર્ણપણે માનવસર્જિત બેદરકારી અને ગેરવહીવટનું પરિણામ છે. પાકિસ્તાન હવામાન વિભાગના પૂર્વ વડા કમર-ઉઝ-ઝમાનના જણાવ્યા મુજબ, દેશ પોતાની સદીઓ જૂની અને પછાત ખેતી પદ્ધતિઓના કારણે કૃષિ માટેના પાણીનો બે-તૃતીયાંશ ભાગ વેડફી નાખે છે. આ ગેરવહીવટની હદ એટલી છે કે પાકિસ્તાન પાસે અત્યારે માત્ર ૩૦ દિવસની જ પાણી સંગ્રહ ક્ષમતા બચી છે. પરિણામે, મે અને જૂન મહિનામાં પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતો સાવ સુકાઈ જાય છે, જ્યારે તેનાથી વિપરિત ચોમાસાના દિવસોમાં ભારે વરસાદના પાણીનો સંગ્રહ ન થવાને કારણે કરાચી જેવા મોટા શહેરો પૂરના પાણીમાં ડૂબીને ટાપુ જેવા દેખાવા લાગે છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
