<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

ગરીબીના અંધકારમાં ડૂબતું પાકિસ્તાન : ૧.૪૧ ટ્રિલિયન રૂપિયાની ભયાનક વેપાર ખાધ અને અમલદારોનું પલાયન!

આયાત અને નિકાસ વચ્ચે ૧૪.૬ અબજ ડોલરની ઊંડી ખાઈ સર્જાતાં પાકિસ્તાનનું અર્થતંત્ર તબાહીના આરે : દેશ કંગાળ થઈ રહ્યો છે ત્યારે સરકારી અમલદારો યુરોપ, કેનેડા અને અમેરિકામાં કાયમી ઘર બનાવીને ભાગવાની તૈયારીમાં

ઇસ્લામાબાદ:  ચરમસીમાએ પહોંચેલી મોંઘવારી અને આર્થિક કંગાળિયતનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે વધુ એક મોટો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં (જુલાઈથી ઓક્ટોબર) પાકિસ્તાનની વેપાર ખાધ  ૧૬ ટકા વધીને ૧૪.૬ અબજ યુએસ ડોલર (લગભગ ૧.૪૧ ટ્રિલિયન ભારતીય રૂપિયા) સુધી પહોંચી ગઈ છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS) ના આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને ૨૬ અબજ ડોલરની આયાત કરી હતી, જેની સામે નિકાસ માત્ર ૧૧.૪ અબજ ડોલર સુધી જ સીમિત રહી હતી. નિકાસમાં જોવા મળતી ભારે ધીમી ગતિ અને આયાત બિલમાં સતત થઈ રહેલા વધારાના કારણે પાકિસ્તાની રૂપિયો અને તિજોરી બંને ખાલી થઈ રહ્યા છે.

આર્થિક સંકટને પહોંચી વળવા માટે પાકિસ્તાન સરકારે નિકાસકારોને સસ્તી લોન આપવા માટે ૮૮ અબજ પાકિસ્તાની રૂપિયાની સબસિડી પણ ફાળવી હતી, પરંતુ તેનો કોઈ નોંધપાત્ર સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો નથી. કરન્સીના અવમૂલ્યન છતાં માસિક નિકાસ માત્ર ૨.૫ થી ૩ અબજ ડોલર વચ્ચે અટવાયેલી છે. કેન્દ્રીય બેંકના અંદાજ અનુસાર, ઊર્જા અને બળતણની વધતી આયાતના કારણે નાણાકીય વર્ષના અંત સુધીમાં કુલ આયાત બિલ ૭૧ અબજ યુએસ ડોલરની ભયજનક સપાટીએ પહોંચી શકે છે, જે પાકિસ્તાનને સાર્વભૌમ ડિફોલ્ટ (ની સ્થિતિ તરફ ઝડપથી ધકેલી રહ્યું છે.

એક તરફ દેશ ગરીબી અને દેવાના વિષચક્રમાં હોમાઈ રહ્યો છે, તો બીજી તરફ વ્યાપક ભ્રષ્ટાચાર અને અમલદારશાહીની નિષ્ફળતાએ સ્થિતિ વધુ વણસાવી છે. તાજેતરમાં જ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પોતે દેશના વરિષ્ઠ અમલદારોની પ્રામાણિકતા પર સવાલો ઉઠાવતા ખુલાસો કર્યો હતો કે, દેશ ડૂબી રહ્યો છે ત્યારે અનેક ટોચના અધિકારીઓ સેવામાં હોવા છતાં કેનેડા, બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય યુરોપિયન દેશોમાં પોતાની કાયમી સંપત્તિ અને ઘરો બનાવી રહ્યા છે. દેશની અંદર વધી રહેલી અનિશ્ચિતતા અને ભ્રષ્ટાચારના કૌભાંડોને કારણે પાકિસ્તાની અમલદારો પોતે જ દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવાની યોજના બનાવી રહ્યા છે, જે અર્થતંત્ર માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે.

(6:25 PM IST)