તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
પાકિસ્તાન 'આઉટ', ભારત 'ઇન': તાલિબાન સાથે મિત્રતાનો નવો અધ્યાય, અફઘાન સરહદ પર ગુંજશે ભારતનું નામ!
૪૬.૩ મિલિયન ડોલરનો મેગા પ્રોજેક્ટ: પાકિસ્તાન સાથે સરહદી ડખા વચ્ચે તાલિબાનનું ભારત તરફી કદમ : ભારતીય કંપની TCRC કાબુલ સહિત ૯ સ્થળોએ બનાવશે આધુનિક પ્રયોગશાળા સંકુલ

નવી દિલ્હી : દક્ષિણ એશિયાના ભૂરાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે, જેમાં તાલિબાન હવે પાકિસ્તાનથી દૂરી બનાવી ભારતની વધુ નજીક આવી રહ્યું છે. એક ઐતિહાસિક પગલામાં, તાલિબાન સરકારે ભારતીય કંપની TCRC (Total Care and Research Centre) સાથે અંદાજે $૪૬.૩ મિલિયનનો કરાર કર્યો છે. આ પાંચ વર્ષીય કરાર હેઠળ, અફઘાનિસ્તાનના નવ મુખ્ય સરહદી બંદરો અને રાજધાની કાબુલમાં અત્યંત આધુનિક પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ અફઘાનિસ્તાનની આયાત-નિકાસ અને ઉત્પાદન ગુણવત્તામાં ક્રાંતિ લાવશે, જે બાંધકામ સામગ્રીથી લઈને ઈલેક્ટ્રિકલ સાધનોના પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
રસપ્રદ વાત એ છે કે આ સોદો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સરહદી વિવાદોને કારણે સબંધોમાં ખટાશ આવી છે. પાકિસ્તાન સાથેની સરહદો વારંવાર બંધ રહેતા અફઘાનિસ્તાનમાં ખાદ્યપદાર્થોના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે તાલિબાને હવે ભારત જેવા ભરોસાપાત્ર ભાગીદારો પર નજર દોડાવી છે. ભારતીય કંપની માત્ર ઉપકરણો જ નહીં, પણ વિદેશી નિષ્ણાતો લાવીને અફઘાન કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ પણ આપશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અફઘાનિસ્તાનને ISO પ્રમાણપત્ર અપાવવાનો અને દેશમાં હલકી ગુણવત્તાના માલની એન્ટ્રી રોકવાનો છે.
તાલિબાનના આર્થિક બાબતોના નાયબ વડાપ્રધાન અબ્દુલ ગની બરાદરની હાજરીમાં થયેલો આ કરાર સ્પષ્ટ સંકેત આપે છે કે કાબુલમાં ભારતનો પ્રભાવ વધી રહ્યો છે. ભારત લાંબા સમયથી અફઘાનિસ્તાનના માળખાગત વિકાસમાં મદદ કરતું આવ્યું છે અને હવે વ્યાપારી સ્તરે આ ભાગીદારી પાકિસ્તાન માટે ચોક્કસપણે ચિંતાનો વિષય બનશે. આ પ્રયોગશાળાઓ તૈયાર થવાથી અફઘાનિસ્તાન વેપારમાં સ્વાવલંબી બનશે અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ માલની ગુણવત્તા જાળવી શકશે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
