તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
પાકિસ્તાન 'બ્લેકઆઉટ'ના ઉંબરે: નેતાઓ વિદેશમાં મહેમાન, જનતા અંધારામાં પરેશાન!
LNG પુરવઠો ઠપ થતાં 6,000 મેગાવોટના પ્લાન્ટ્સ શોભાના ગાંઠિયા સમાન બન્યા : કાળઝાળ ગરમી વચ્ચે 16 કલાક સુધીના પાવર કટથી દેશમાં હિંસા અને જનઆક્રોશ ફાટી નીકળ્યો

કરાચી: પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ભયાનક ઉર્જા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે દેશ અંધકારમાં ડૂબેલો છે, ત્યારે આર્મી ચીફ અસીમ મુનીર ઈરાનમાં છે અને વડાપ્રધાન શાહબાઝ શરીફ તુર્કીમાં ડિપ્લોસી ફોરમમાં વ્યસ્ત છે. ઘરેલુ મોરચે સ્થિતિ એટલી ખરાબ છે કે 6,000 મેગાવોટની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક LNG પાવર પ્લાન્ટ્સ ઈંધણના અભાવે માત્ર 500 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે. માંગ 9,000 થી વધીને સીધી 20,000 મેગાવોટ પર પહોંચી ગઈ છે, જેના કારણે સિસ્ટમ સંપૂર્ણપણે પડી ભાંગી છે અને લોકોના ધૈર્યની સીમા હવે તૂટી રહી છે.
પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ અને પ્રાદેશિક યુદ્ધની સ્થિતિએ પાકિસ્તાનની કમર તોડી નાખી છે. પાકિસ્તાન જે LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) પર નિર્ભર હતું, તેનો પુરવઠો આંતરરાષ્ટ્રીય સ્તરે ખોરવાઈ ગયો છે. ઉર્જા મંત્રી ઓવૈસ લેઘારીએ કબૂલાત કરી છે કે ગલ્ફ ક્ષેત્રની અસ્થિરતાને કારણે ગેસ મળવો અશક્ય બન્યો છે. પરિણામે, ફર્નેસ ઓઈલ જેવા અત્યંત મોંઘા વિકલ્પોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જે દેશની તિજોરી પર વધારાનો બોજ નાખી રહ્યો છે. આ આર્થિક અને ઉર્જા સંકટના કારણે નાના ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે અને રાત્રિના સમયે આખા શહેરો સ્મશાન જેવી શાંતિ અને અંધકારમાં ગરકાવ થઈ જાય છે.
શહેરોમાં સત્તાવાર રીતે 2 કલાકના લોડ શેડિંગની વાત કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત એ છે કે લાહોર અને કરાચી જેવા મેટ્રો શહેરોમાં 8 કલાક અને ગ્રામીણ પટ્ટામાં 16 કલાક સુધી વીજળી ગુલ રહે છે. પેશાવર અને મુલતાન જેવા વિસ્તારોમાં તો સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે, જ્યાં વીજળી વગર ત્રસ્ત લોકો હવે રસ્તા પર ઉતરીને હિંસાનો આશરો લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વિપક્ષ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે કે જ્યારે દેશ અંધકારમાં સબડી રહ્યો છે, ત્યારે નેતાઓ વિદેશમાં "શાંતિ દૂત" બનીને શું હાંસલ કરવા માંગે છે? પાયાની જરૂરિયાતો પૂરી ન થતા હવે આ વીજળી સંકટ પાકિસ્તાન માટે સિવિલ વોર જેવી સ્થિતિ પેદા કરી શકે છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
