<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

અરબી સમુદ્રમાં પાકિસ્તાની નૌકાદળનું જોખમી દુઃસાહસ: ૨,૬૦૦ ટનના PNS હુનૈને ૭,૪૦૦ ટનના મહાકાય INS કોલકાતાને મારી ટક્કર!

પાકિસ્તાનના યુદ્ધજહાજમાં પડી મોટી તિરાડ અને ૪ ઘાયલ: ભારતીય ડિસ્ટ્રોયર સામે પંગો લેતાં જ ભયાનક અકસ્માત સર્જાયો; જો ભારતે વળતી ટક્કર મારી હોત તો પાકિસ્તાની જહાજ સમુદ્રમાં ગરકાવ થઈ ગયું હોત

નવી દિલ્હી, તા.૧૭: ૧૫ સપ્ટેમ્બરની સાંજે ઉત્તરી અરબી સમુદ્રના આંતરરાષ્ટ્રીય જળસીમામાં પાકિસ્તાની નૌકાદળની ભારે બિન-વ્યવસાયિક અને અસુરક્ષિત હરકત સામે આવી છે. નિયમિત patroling પર નિકળેલા ભારતીય નૌકાદળના અત્યાધુનિક અને વિશાળકાય યુદ્ધજહાજ INS કોલકાતાની એકદમ નજીક આવીને પીછો કરવાનો પ્રયાસ કરતી વખતે પાકિસ્તાનનું ૨,૬૦૦ ટનનું ઑફશોર પેટ્રોલ વેસલ PNS હુનૈન ભારતીય જહાજ સાથે અથડાઈ ગયું હતું. ૧૯૯૧ના ભારત-પાકિસ્તાન કરારની કલમ ૧૦ના સરેઆમ ઉલ્લંઘન સમાન આ ઘટના બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો છે અને ભારતે પાકિસ્તાની રાજદ્વારીઓને સમન્સ પાઠવીને કડક વિરોધ નોંધાવ્યો છે.

 

આ ટક્કરથી બંને દેશોના યુદ્ધજહાજોની ક્ષમતા અને કદ વચ્ચેનો જમીન-આસમાનનો તફાવત છતો થઈ ગયો છે. પાકિસ્તાનનું PNS હુનૈન માત્ર ૨,૬૦૦ ટનનું નાનું તટીય પેટ્રોલિંગ જહાજ છે, જ્યારે ભારતનું INS કોલકાતા ૭,૪૦૦ ટનથી પણ વધુ વજન ધરાવતું દેશનું સૌથી શક્તિશાળી ફ્રન્ટલાઇન 'ડિસ્ટ્રોયર' જહાજ છે. ટક્કર બાદ પાકિસ્તાની જહાજના આગળના ભાગમાં મોટી તિરાડ પડી ગઈ હતી અને અહેવાલો મુજબ તેના ૪ ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા હતા, જેથી તેને તુર્ત જ મરામત અર્થે પોર્ટ તરફ ભાગવું પડ્યું હતું. બીજી તરફ, મજબૂત સ્ટીલથી બનેલા INS કોલકાતાને કાંઈ જ નુકસાન થયું નહોતું અને તે પોતાના મિશન પર આગળ વધી ગયું હતું.

 

રક્ષણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પાકિસ્તાને પોતાના નાના જહાજ વડે આટલું મોટું જોખમ ઉઠાવીને અત્યંત મૂર્ખામીભર્યું કામ કર્યું હતું. INS કોલકાતા બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલો, ૩૬૦-ડિગ્રી રડાર અને વાવાઝોડાં સામે ટકી શકે તેવી ક્ષમતા ધરાવે છે. જો ભારતીય જહાજના કમાન્ડરે પોતાના ક્રૂના બચાવ માટે જરાય વળાંક લઈને વળતી ટક્કર મારી હોત, તો ૨,૬૦૦ ટનનું પાકિસ્તાની જહાજ ક્ષણભરમાં સમુદ્રમાં પલટીને ડૂબી ગયું હોત. ઉલ્લેખનીય છે કે ૨૦૧૧માં પણ એડનની ખાડીમાં પાકિસ્તાની જહાજ PNS બાબરે ભારતના INS ગોદાવરી નજીક આવું જ દુઃસાહસ કર્યું હતું.

 

(5:02 PM IST)