<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ભારત સાથે વેપાર બંધ થવાથી પાકિસ્‍તાનને ૪૦ અબજ ડોલરનું નુકસાન

ભારત સાથે વેપાર બંધ થવાથી પાકિસ્‍તાનના ઉદ્યોગોને જરૂરી કાચો માલ અને અન્‍ય માલ-સામાન દૂરના બજારોમાંથી ખરીદવાની ફરજ પડી રહી છે

નવી દિલ્‍હી/લાહોર,તા.૩: ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના તણાવ અને વર્ષ ૨૦૧૯માં પુલવામા હુમલા બાદ સરહદ પારના વેપાર પર મૂકાયેલી રોકને લઈને પાકિસ્‍તાન બિઝનેસ કાઉન્‍સિલ દ્વારા ચોંકાવનારો દાવો કરવામાં આવ્‍યો છે. પાકિસ્‍તાનની બિઝનેસ કાઉન્‍સિલે ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે વેપાર બંધ થવાથી પાકિસ્‍તાનને મોટો ફટકો પડ્‍યો છે.

વર્ષ ૨૦૧૯માં પુલવામા આતંકવાદી હુમલા બાદ તણાવ વધ્‍યા બાદ ભારત સાથે વેપાર બંધ થવાથી પાકિસ્‍તાનને અંદાજીત ૪૦ અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું હોવાનું એક બિઝનેસ એડવોકેસી ગ્રુપના વડાએ સોમવારે જણાવ્‍યું હતું.

પાક-ભારત બિઝનેસ કાઉન્‍સિલના ચેરમેન નૂર મુહમ્‍મદ કસૂરીએ બંને પડોશી દેશોને વેપાર સંબંધો પુનઃસ્‍થાપિત કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે આનાથી બંને બાજુના વેપાર-ઉદ્યોગને લાભ થશે. તેમજ રોકાણ, પર્યટન અને પ્રાદેશિક સહયોગની તકો પણ ઊભી થશે.

એક નિવેદનમાં કસૂરીએ જણાવ્‍યું કે ભારત સાથે વેપાર બંધ થવાથી પાકિસ્‍તાનના ઉદ્યોગોને જરૂરી કાચો માલ અને અન્‍ય માલ-સામાન દૂરના બજારોમાંથી ખરીદવાની ફરજ પડી રહી છે. જેના લીધે પરિવહન અને ભાડા ખર્ચમાં વધારો થયો છે અને ડિલિવરી મળવામાં પણ વધુ સમય લાગી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્‍યું કે પાકિસ્‍તાનનો દવા ઉદ્યોગ ભારતના કાચા માલ પર નિર્ભર હતો. તેમણે કહ્યું કે જો પડોશી દેશમાંથી ફરી આયાત શરૂ થઇ જાય તો વાર્ષિક બે અબજથી ત્રણ અબજ ડોલરની બચત થઇ શકે છે.

(10:30 AM IST)