<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

અમેરિકા-ઈરાન ઐતિહાસિક ડીલમાં પાકિસ્તાન બન્યું 'ચૌધરી': પીએમ શહબાઝ શરીફે ગેરન્ટર તરીકે કર્યા હસ્તાક્ષર

વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેના યુદ્ધવિરામ માટે 'ઇસ્લામાબાદ સમજૂતી કરાર' તાત્કાલિક અસરથી લાગુ : હોર્મુઝ ખુલતા જ વૈશ્વિક ઊર્જા બજારને મળશે મોટી રાહત

ઇસ્લામાબાદ: જ્યારે અમેરિકા અને ઈરાન જેવા બે પરમ વિરોધી દેશો વચ્ચે શાંતિની વાતો ચાલતી હોય, ત્યારે પાકિસ્તાન આખી ડીલમાં ક્યાંથી વચ્ચે આવ્યું અને વડા પ્રધાન શહબાઝ શરીફ કેમ મુખ્ય ભૂમિકામાં દેખાઈ રહ્યા છે, તે પ્રશ્ન સૌના મનમાં રમતો હતો. વાસ્તવમાં, પાકિસ્તાનના વડા પ્રધાન મોહમ્મદ શહબાઝ શરીફે ગુરુવારે સત્તાવાર રીતે "ઇસ્લામાબાદ સમજૂતી કરાર" પર એક મુખ્ય ગેરન્ટર તરીકે હસ્તાક્ષર કર્યા છે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી વીડિયો અને ફોટા સાથે જાહેર કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ કરાયું છે કે શહબાઝ શરીફે આ જટિલ વાટાઘાટ પ્રક્રિયામાં મુખ્ય મધ્યસ્થ ની ભૂમિકા ભજવી છે. આ પૂર્વે બુધવારે જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સ ખાતે અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કેમેરા સામે આ ઐતિહાસિક શાંતિ દસ્તાવેજ પર ડિજિટલી સહીઓ કરી દીધી હતી.

આ આખી પ્રક્રિયામાં પાકિસ્તાન શા માટે 'ચૌધરી' એટલે કે પંચની ભૂમિકામાં આવ્યું, તેની પાછળ પશ્ચિમ એશિયામાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની એક મોટી રાજદ્વારી વ્યૂહરચના છે. શહબાઝ શરીફે ગર્વભેર જાહેરાત કરી છે કે આ 'ઇસ્લામાબાદ MoU' તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે. તેના પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલા તરીકે, ઈરાન આંતરરાષ્ટ્રીય તેલ વ્યાપારની જીવાદોરી સમાન ૫૫ કિલોમીટર પહોળી 'હોર્મુઝ સ્ટ્રેટ' ને વ્યાપાર માટે તાત્કાલિક ખુલ્લી કરશે, જ્યારે અમેરિકા તેની નૌકાદળ દ્વારા કરાયેલી નાકાબંધી હટાવી લેશે. ગત ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા સંયુક્ત હુમલા બાદથી આ વ્યૂહાત્મક જળમાર્ગ સંપૂર્ણપણે બંધ હતો, જે હવે આ વૈશ્વિક સમજૂતીને કારણે ફરી ધમધમતો થશે.

આ મોટી આંતરરાષ્ટ્રીય સફળતા બદલ વડા પ્રધાન શહબાઝ શરીફે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દ્રઢ રાજદ્વારી પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે, તેમજ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ સૈયદ મોજતબા હુસેની ખામેનીની રાજદ્વારી પરિપક્વતાની પણ સરાહના કરી છે. શરીફે આ પડદા પાછળના શાંતિ મિશનને સફળ બનાવવામાં મદદ કરવા બદલ અમેરિકી વાટાઘાટ ટીમના સભ્યો જે.ડી. વાન્સ અને જેરેડ કુશનર તેમજ પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે કતાર, સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્ત જેવા પશ્ચિમ એશિયાના દેશોના સક્રિય સહયોગ બદલ આભાર માન્યો હતો. હવે આગામી થોડા દિવસોમાં સ્વિટ્ઝર્લૅન્ડના બર્જેનસ્ટોક રિસોર્ટ ખાતે યોજાનારા ભવ્ય ઔપચારિક સમારોહમાં ચારેય દેશોના મુખ્ય વાટાઘાટકારો આ ડીલને કાયમી સ્વરૂપ આપવા માટે રૂબરૂ મુલાકાત કરશે.

(8:05 PM IST)