News of Monday, 12th October 2026
પાકિસ્તાનના ક્વેટા નજીક સેનાનું મુશશક તાલીમી વિમાન ટેકનિકલ ખામી સર્જાતા ક્રેશ :ઇન્સ્ટ્રક્ટર મેજર અને કેપ્ટનનું મોત
ક્રેશ થયેલા વિમાનમાં સવાર ઇન્સ્ટ્રક્ટર મેજર હસનૈન શહજાદ હુમાયૂં અને તાલીમાર્થી કેપ્ટન અબ્દુલ સમદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટા નજીક સોમવારે બપોરે સેનાનું એક તાલીમી વિમાન તૂટી પડ્યું હતું. ટેકનિકલ ખામીના કારણે સર્જાયેલા ક્રેશમાં સવાર બંને પાયલટ અધિકારીઓના કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના અંગે પાકિસ્તાની સૈન્ય દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
પાકિસ્તાની સેનાના મીડિયા વિંગ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, સોમવારે નિયમિત તાલીમી ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા આ જીવલેણ દુર્ઘટના બની હતી. બલૂચિસ્તાનની પ્રાંતીય રાજધાની ક્વેટા નજીક આવેલા નવાં કિલ્લી વિસ્તારમાં પાકિસ્તાન આર્મી એવિએશનનું 'મુશશક' ટ્રેનિંગ વિમાન અચાનક નિયંત્રણ ગુમાવીને ક્રેશ થઈ ગયું હતું.
બપોરના સમયે સર્જાયેલા આ અકસ્માતમાં વિમાન સીધું જમીન સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું કે, ઉડાન દરમિયાન વિમાનમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના પગલે પાયલટોને ઈમરજન્સી લેન્ડિંગની પણ તક મળી નહોતી.
આ વિમાન દુર્ઘટનામાં સૈન્યના બે અનુભવી અને તાલીમાર્થી અધિકારીઓએ જીવ ગુમાવ્યા છે. સેનાના જણાવ્યા મુજબ, ક્રેશ થયેલા વિમાનમાં સવાર ઇન્સ્ટ્રક્ટર મેજર હસનૈન શહજાદ હુમાયૂં અને તાલીમાર્થી કેપ્ટન અબ્દુલ સમદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બંને અધિકારીઓ આર્મી એવિએશનના તાલીમ સત્રનો ભાગ હતા. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળો અને બચાવ ટુકડીઓએ સ્થળ પર પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી અને બંને મૃતદેહોને સૈન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
