<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

PoJKમાં પાકિસ્તાની સેનાનું તાંડવ: ઘર-ઘરમાં ઘૂસીને ગોળીબાર : ચૂંટણીના બીજા તબક્કામાં મુઝફ્ફરાબાદ લોહીલુહાણ

મુઝફ્ફરાબાદમાં વિરોધ પ્રદર્શનકારીઓ પર રેન્જર્સનો અંધાધૂંધ સૈન્ય હુમલો: ૫૦થી વધુ નાગરિકોના મોત બાદ યુવાનોએ ચૂંટણી બહિષ્કાર કરી સ્વતંત્રતાની ચળવળ તીવ્ર કરી

મુઝફ્ફરાબાદ :  પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoJK) માં આઝાદી અને મૂળભૂત માનવ અધિકારો માટે રસ્તા પર ઉતરેલા નિઃશસ્ત્ર નાગરિકો પર પાકિસ્તાની સૈન્ય અને રેન્જર્સે અમાનવીય ક્રૂરતા આચરી છે. મુઝફ્ફરાબાદમાં ઈસ્લામાબાદ પ્રેરિત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન સેનાએ રસ્તાઓ અને ઘરોમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ રક્તપાતમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર ક્ષેત્ર સળગી ઊઠ્યું છે અને શેરીઓમાં માત્ર બળેલી ગાડીઓ તથા પથ્થરોનો કાટમાળ દેખાઈ રહ્યો છે.

જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટી (JAAC) ના નેતૃત્વ હેઠળ શરૂ થયેલું આ આંદોલન પહેલાં મોંઘવારી, સસ્તો લોટ અને વીજળીના બિલ જેવા આર્થિક મુદ્દાઓ પર આધારિત હતું. પરંતુ જનરલ અસીમ મુનીરની સેના દ્વારા કરવામાં આવેલા ભયાનક દમનને કારણે હવે આ પ્રદર્શન સંપૂર્ણ રાજકીય આઝાદીના આંદોલનમાં ફેરવાઈ ગયું છે. છેલ્લા પાંચ જ દિવસમાં ૫૦થી વધુ નાગરિકો માર્યા ગયા છે. હિંસા અને સેનાના ખોફથી કંટાળીને સ્થાનિક યુવાનોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરી પાકિસ્તાની શાસન સામે આરપારની લડાઈની જાહેરાત કરી દીધી છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાની સેનાના આ અત્યાચારની આકરા શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું છે કે પાકિસ્તાન પોતાના જ નાગરિકોને 'દુશ્મન' ગણાવીને તેમનો સંહાર કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારનું આ અમાનવીય વલણ વૈશ્વિક મંચ પર ખુલ્લું પડી ગયું છે. મુઝફ્ફરાબાદ, રાવલકોટ અને મીરપુર સહિતના તમામ વિસ્તારોમાં લોકો પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાંથી મુક્તિ મેળવવા માટે સ્વતંત્રતાના નારા લગાવી રહ્યા છે, જેનાથી ઈસ્લામાબાદના શાસકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(7:56 PM IST)