તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 11th June 2026
પાકિસ્તાન આર્મીનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ: મુઝફ્ફરાબાદ નજીક ટેકઓફ થતાં જ સર્જાયો પ્રચંડ વિસ્ફોટ
ટેકનિકલ ખામીના કારણે સેનાનું વિમાન તૂટી પડ્યું: હેલિકોપ્ટરમાં સવાર તમામ ૨૦ સૈનિકો અને અધિકારીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોતથી સનસનાટી

મુઝફ્ફરાબાદ: પાકિસ્તાન આર્મી એવિએશનને અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક ફટકો પડ્યો છે. મુઝફ્ફરાબાદ નજીક પાકિસ્તાની સેનાનું એક રશિયન બનાવટનું Mi-17 હેલિકોપ્ટર ટેકઓફ કરતી વખતે જ ભયાનક અકસ્માતનો ભોગ બન્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરે જેવું જમીન પરથી ઉડાન ભર્યું, તે સાથે જ હવામાં સંતુલન ગુમાવ્યું હતું અને જોતજોતામાં તે જમીનદોસ્ત થઈ ગયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે પડતાની સાથે જ હેલિકોપ્ટરમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને તે આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.
પાકિસ્તાની સેનાના સત્તાવાર મીડિયા સોર્સ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે પ્રારંભિક તપાસમાં ક્રેશ થવાનું કારણ ગંભીર ટેકનિકલ ખામી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૨૦ જવાનો સવાર હતા. સેનાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને ભારે હૃદયે સ્વીકાર્યું છે કે આ અકસ્માતમાં કોઈનો પણ જીવ બચાવી શકાયો નથી અને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો ઘટનાસ્થળે જ શહીદ થઈ ગયા છે.
ઘટનાની ગંભીરતાને જોતા આર્મીની સ્પેશિયલ બચાવ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સળગતા કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. સમગ્ર વિસ્તારને લશ્કરી છાવણીમાં ફેરવી દઈને કટોકટી જાહેર કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં સૈન્ય જવાનોના મોતના પગલે પાકિસ્તાન સંરક્ષણ મંત્રાલયમાં હડકંપ મચી ગયો છે અને અકસ્માત પાછળ કોઈ ષડયંત્ર કે બેદરકારી છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
