<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

વારાણસીની મસ્જિદ મુદ્દે પાક. રાષ્ટ્રપતિની દખલગીરી: મુસ્લિમ સમુદાયનો સખત વિરોધ

ભારતના આંતરિક મામલામાં પાકિસ્તાનના હસ્તક્ષેપને ભારતીય મુસ્લિમ આગેવાનોએ ફગાવ્યો, કહ્યું- પોતાની મસ્જિદોની સંભાળ રાખો

વારાણસી : પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સોશિયલ મીડિયા પર વારાણસીની ગંજ શહીદ મસ્જિદને મુદ્દો બનાવીને ભારતના આંતરિક મામલામાં દખલગીરીનો પ્રયાસ કર્યો છે, જેને ભારતીય મુસ્લિમ સમુદાય અને ધાર્મિક નેતાઓએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. ઝરદારીએ આ મસ્જિદના ધ્વંસને લઈને અરાજકતા ફેલાવાની ચીમકી આપી હતી, જેના જવાબમાં સ્થાનિક મુસ્લિમ નેતાઓએ પાકિસ્તાનને પોતાની મર્યાદામાં રહીને ત્યાંની મસ્જિદો પર થતા હુમલા અટકાવવાની સલાહ આપી છે.

મુફ્તી-એ-બનારસ મૌલાના અબ્દુલ બાતીન નોમાનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ભારતનો આંતરિક મામલો છે અને અમને ભારતીય ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે. બીજી તરફ, અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદના સંયુક્ત સચિવ ડૉ. એસ.એમ. યાસીને દાવો કર્યો છે કે ૧૦૩૪માં બનેલી આ મસ્જિદ રેલ્વે અસ્તિત્વમાં આવી તે પહેલાથી ત્યાં છે, અને રેલ્વેની આ નોટિસ ગેરમાર્ગે દોરનારી છે.

રેલ્વે વહીવટીતંત્રનું માનવું છે કે મસ્જિદ કાશી સ્ટેશનના મુખ્ય વિકાસ પ્રોજેક્ટમાં અવરોધ રૂપ છે અને ૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સિવિલ કોર્ટે આ અંગેનો કેસ ફગાવી દીધો છે. રેલ્વેએ આપેલી ૨૦ જૂનની અંતિમ નોટિસ સમાપ્ત થઈ ગઈ છે, જેના પગલે હવે વહીવટી તંત્ર અને પોલીસના સહયોગથી કોઈપણ સમયે કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. ૩૫૦ કરોડના આ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનનું આધુનિકીકરણ અનિવાર્ય હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે જણાવ્યું હતું કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિની આ ટિપ્પણી અંગે સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાષ્ટ્રવિરોધી તત્વો આ મામલાને સાંપ્રદાયિક રંગ આપીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી શકે છે, જેથી આવા વ્યક્તિઓની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે અને તંત્ર સતર્ક છે.

(11:26 AM IST)