<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

યુપીના ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર દર્દનાક માર્ગ અકસ્માત: પિકઅપ-ટેન્કર વચ્ચે ભીષણ ટક્કરમાં મૃત્યુઆંક વધીને ૧૩ થયો; અડધી રાત્રે ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હાઈવે

રાજસ્થાનના બાંગડ ધામથી દર્શન કરીને બદાયું પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની પિકઅપ ગાડીને ટેન્કરે ફટકારી જોરદાર ટક્કર; ૧૨ લોકોની હાલત હજુ પણ અતિ ગંભીર

બાગપત, તા.૦૭: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લા નજીક આવેલા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર બડાગામ ટોલ પ્લાઝા પાસે રવિવારે મધ્યરાત્રિએ આશરે ૧૨:૩૦ વાગ્યે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. દર્શન કરીને ખુશી-ખુશી પોતાના ઘરે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ચીસોથી આખો એક્સપ્રેસવે ગૂંજી ઉઠ્યો હતો. ઝડપભેર આવતા એક ટેન્કરે શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે પિકઅપ ગાડી અનિયંત્રિત થઈને રોડ ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ દર્દનાક હોનારતમાં અત્યાર સુધીમાં ૧૩ શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમે સ્થળ પર પહોંચીને રાહત કામગીરી શરૂ કરી હતી. પિકઅપમાં સવાર ૩૨ શ્રદ્ધાળુઓમાંથી ૭ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સીએચસી ખેકડા અને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓને વધુ સારવાર અર્થે મેરઠ અને દિલ્હીની હોસ્પિટલમાં રિફર કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મેરઠમાં વધુ ૬ લોકોએ દમ તોડી દીધો હતો. હાલમાં ૧૨ જેટલા ઇજાગ્રસ્તોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું કહેવાય છે.

આ ભયાનક અકસ્માતે માર્ગ સલામતીના નિયમોના ધજાગરા ઉડાડતું એક ગંભીર ચિત્ર સામે મૂક્યું છે. જે નાનકડી પિકઅપ ગાડી માત્ર સામાન હેરફેર માટે હોય છે, તેમાં લાકડાના પાટિયા અને જુગાડ કરીને ઉપર-નીચે બેસવાની વ્યવસ્થા ઊભી કરાઈ હતી અને તેમાં બાળકો તથા મહિલાઓ સહિત ૩૨ લોકોને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરીને લાંબા અંતરની મુસાફરી કરાવવી અને ઓવરલોડિંગના નિયમોને નેવે મૂકવાના કારણે આ નાનકડી ભૂલ ૧૩ નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ છે.

(3:50 PM IST)