<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

વિદેશની ધરતી પર પંજાબના દીકરાનું દર્દનાક મોતઃ ન્‍યૂયોર્કમાં ઘોડા-બગ્‍ગી પર પ્રતિબંધ માટે આજે રોમાંચઃ લો પર ઐતિહાસિક મતદાન

પઠાણકોટના ૧૮ વર્ષીય રોમાંચ મહાજનની યાદમાં ન્‍યૂયોર્ક સિટી કાઉન્‍સિલમાં મોટો પ્રસ્‍તાવ; માતાને બચાવવા જતાં જીવ ગુમાવનાર યુવકના પરિવારની લડાઈ રંગ લાવી, જૂન ૨૦૨૮ સુધીમાં શહેરમાં હોર્સ-કેરેજ સવારી સદંતર બંધ કરવા પર નજર

ચંડીગઢ/ન્‍યૂયોર્ક તા.૨૨: અમેરિકાના પ્રખ્‍યાત ન્‍યૂયોર્ક શહેરમાંથી એક અત્‍યંત સંવેદનાત્‍મક અને મોટા સમાચાર સામે આવ્‍યા છે. પંજાબના પઠાણકોટના રહેવાસી ૧૮ વર્ષીય યુવાન રોમાંચ મહાજનના અકસ્‍માત બાદ, હવે ત્‍યાંના વહીવટી તંત્ર દ્વારા એક મોટું કદમ ઉઠાવવામાં આવી રહ્યું છે. સેન્‍ટ્રલ પાર્ક ખાતે ઘોડા-ગાડીની સવારી દરમિયાન સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં રોમાંચે પોતાનો જીવ ગુમાવ્‍યો હતો, જેની યાદમાં આજે ૨૨ ઓક્‍ટોબરે રોમાંચ લો (Romanch Law) નામના નવા કાયદા પર ન્‍યૂયોર્ક સિટી કાઉન્‍સિલમાં મહત્ત્વપૂર્ણ મતદાન યોજાવા જઈ રહ્યું છે.

આ પ્રસ્‍તાવિત કાયદાનું મુખ્‍ય લક્ષ્ય આગામી સમયમાં ન્‍યૂયોર્ક શહેરમાંથી ઘોડાથી ચાલતી તમામ ગાડીઓ (હોર્સ-કેરેજ)ને કાયમી ધોરણે નાબૂદ કરવાનું છે. પ્રસ્‍તાવ મુજબ, તબક્કાવાર રીતે આ સવારીને બંધ કરીને જૂન ૨૦૨૮ સુધીમાં શહેરમાં ઘોડા-બગ્‍ગીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

અગાઉ આ વિધેયક રાઇડર લો તરીકે ઓળખાતું હતું, પરંતુ આ દર્દનાક ઘટના બાદ સિટી કાઉન્‍સિલના સભ્‍ય ક્રિસ્‍ટ?ફર માર્ટે દ્વારા તેનું નામ બદલીને પંજાબી યુવાનના નામ પરથી રોમાંચ લો રાખવામાં આવ્‍યું છે.

ગત ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ રોમાંચ મહાજન પોતાના પરિવાર સાથે પહેલીવાર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ન્‍યૂયોર્કના પ્રખ્‍યાત સેન્‍ટ્રલ પાર્કમાં તેઓ પરિવાર સાથે ઘોડા-બગ્‍ગીની મજા માણી રહ્યા હતા, ત્‍યારે અચાનક ઘોડો બેકાબૂ બનીને બેફામ દોડવા લાગ્‍યો હતો.

આ અરાજકતા વચ્‍ચે રોમાંચના માતા પ્રિયા મહાજન ચાલતી ગાડીમાંથી નીચે પટકાયાં હતાં. પોતાની માતાનો જીવ બચાવવા માટે તત્‍પર બનેલા રોમાંચે પણ ચાલતી ઘોડા-ગાડીમાંથી છલાંગ લગાવી દીધી હતી. આ કૂદકા દરમિયાન તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન આ યુવાનનું કરુણ મોત નીપજ્‍યું હતું.

આ હૃદયદ્રાવક ઘટના બાદ પીડિત પરિવારે ન્‍યૂયોર્ક સિટી પ્રશાસન સામે ન્‍યાયની લડાઈ શરૂ કરી હતી. ઓગસ્‍ટ ૨૦૨૬માં રોમાંચના પરિવારે ન્‍યૂયોર્ક શહેરના પ્રશાસન અને સંબંધિત વિભાગો વિરુદ્ધ ૧૦.૫ કરોડ ડલર (આશરે ૮૮૦ કરોડ રૂપિયા)નો મોટો ક્ષતિપૂર્તિ દાવો (મુદ્દમા) દાખલ કર્યો હતો.

પરિવારનો ગંભીર આરોપ છે કે સેન્‍ટ્રલ પાર્કમાં જમીન પર રહેલા સ્‍ટે-વોલ્‍ટેજ (સ્‍ટ્રે કરંટ)ના કારણે ઘોડો અત્‍યંત ગભરાઈ ગયો હતો અને બેકાબૂ બન્‍યો હતો. પરિવારનું દાવો છે કે વહીવટીતંત્રને આ અગાઉથી ખબર હતી કે આ પ્રકારનો વીજ પ્રવાહ જોખમી સાબિત થઈ શકે છે, છતાં તેને દૂર કરવા માટે કોઈ યોગ્‍ય તકેદારી રાખવામાં આવી ન હતી.

આ ગંભીર મુદ્દાને ધ્‍યાનમાં રાખીને ન્‍યૂયોર્કના મેયર જોહરાન મમદાની અને સિટી કાઉન્‍સિલની સ્‍પિકર જૂલી મેનન સહિતના શીર્ષ અધિકારીઓએ પણ આ પ્રસ્‍તાવ પર પોતાની સહમતિ દર્શાવી છે. જોકે, બીજી તરફ શહેરમાં ઘોડા-ગાડી ચાલકોની યુનિયન આ પ્રસ્‍તાવના વિરોધમાં મેદાને આવી છે અને આ પ્રતિબંધને અદાલતમાં પડકારવાની ચીમકી ઉચ્‍ચારી છે.

આજે ૨૨ ઓક્‍ટોબરે યોજાનાર મતદાન બાદ જ સ્‍પષ્ટ થશે કે આ કાયદો કયા સ્‍વરૂપમાં આગળ વધે છે. રોમાંચના પિતા દીપક મહાજન અને પરિવારે આ પ્રથાને હંમેશાં માટે બંધ કરવા માટે જે અવાજ ઉઠાવ્‍યો છે, તે જોતાં આ મતદાન આ અકસ્‍માત બાદ શરૂ થયેલી વૈશ્વિક મુહિમનો સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે છે

(3:37 PM IST)