તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
પહેલગામ આતંકી હુમલાને આજે એક વર્ષઃ કાશ્મીર જતાં પ્રવાસીઓ ૪૦ ટકા ઘટયા
દરવર્ષે ૫૦થી ૭૦ હજાર પ્રવાસીઓ જતાં હતાં : સુરક્ષાના કારણે કાશ્મીર જતાં પર્યટકોમાં પણ ૨૦ ટકા પહેલગામના બદલે શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ જાય છે

અમદાવાદ,તા.૨૨: ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરની સુંદરતા પર ગયા વર્ષે ૨૨ એપ્રિલના રોજ પહલગામના બાઈસરાન વેલીમાં થયેલાં ભયાવહ આતંકી હુમલાએ કાળી છાયા લગાવી દીધી છે. બુધવારના રોજ તેને એક વર્ષ પુરું થયું છે. ત્યારે આ વર્ષે ગુજરાતમાંથી કાશ્મીર ફરવા જતાં પ્રવાસીઓની સંખ્યામાં ૪૦ ટકા જેટલો ઘટાડો થયો છે.
માનસપટ પર છવાયેલા આતંકી હુમલાના ઝેરી પ્રભાવના કારણે માત્ર ગુજરાત જ નહીં દેશભરમાંથી કાશ્મીર જતાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા એક સમયે લોકોના ખિલખિલાટથી જતી ખીણોમાં આજે નીરવ શાંતિ છવાયેલી છે.
કુદરતી સૌંદર્યની ચાદર ઓઢેલા કશ્મીર માટે ગયા વર્ષે ૨૨ એપ્રિલે થયેલાં આતંકી હુમલાએ પ્રવાસીઓમાં ભયનો માહોલ પેદા કરી દીધો છે. જે કાશ્મીરની ખીણમાં પ્રવાસીઓની ભીડ જામતી હતી,! ત્યાં આજે પર્યટકોની ઓટ સર્જાઈ છે. સામાન્ય રીતે એપ્રિલ- મે મહિનામાં ગુજરાતમાંથી કાશ્મીર જવા ૫૦થી ૭૦ હજાર પ્રવાસીઓની લાઈન લાગતી હતી. પરંતુ આ વર્ષે ત્યાં જતાં પ્રવાસીઓની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે.
એટલું જ નહીં જે પર્યટકો જાય છે તેમાંથી પણ આશરે ૨૦ ટકા પહલગામ તરફ જવાનું ટાળી માત્ર શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ વિસ્તારમાં જવાનું પસંદ કરે છે. મનમાં બેસી ગયેલાં ડરના કારણે સોલો ટ્રાવેલિગમાં જતાં લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
પર્યટકોની ભીડ ઘટવાના કારણે કાશ્મીરના અર્થતંત્રને પણ ફટકો પડયો હોય તેમ હોટલ- લોજના ભાડામાં પણ ૨૦ ટકા જેટલો ઘટાડો થયો છે. સાથે જ ઘોડા-ખચ્ચર ચલાવી કમાતા, ડ્રાયફૂટની તેમજ લોકલ માર્કેટમાં પણ વેપારીઓને ફટકો લાગ્યો છે.
પ્રવાસીઓ કશ્મીરના બદલે લેહ-લદાખ, હિમાચલના પહાડો તરફ વળ્યા
આતંકી હુમલા બાદ ત્યાં સરકાર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ત્યાં સુરક્ષા બાબતે વધુ કડક પગલાં લેવાયા હોવાના તેમજ પર્યટન વધારવા અનેક પ્રકારે પ્રચાર-પ્રસાર કરાય છે. હુમલાના તુરંત બાદથી જ કેટલાક પ્રવાસીઓએ ત્યાં બધુ સુરક્ષિત હોવાના અનેક વિડિયો પણ સોશિયલ મીડિયા પર મૂક્યાં હતાં. છતાં અસુરક્ષાનો ભાવ મનમાં ઘર કરી લેતાં આજે પ્રવાસીઓ કાશ્મીરના બદલે લેહ-લદાખ, શિમલા, મનાલી, કુલ્લુ, સ્પીતી વેલી જેવા અન્ય પહાડી સ્થળોએ જવાનું પસંદ કરે છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
