<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

વિદેશી ભારતીયોના ખિસ્સા પર પડશે ભાર: OCI કાર્ડના નિયમો અને ફી માળખામાં મોટા ફેરફાર, જાણો હવે કેટલો ખર્ચ થશે

નવા પાસપોર્ટની વિગતો અપલોડ કરવામાં વિલંબ થશે તો દંડની જોગવાઈ, કેનેડામાં હવે રૂબરૂ હાજરી ફરજિયાત અને PIO કાર્ડની મુદત પણ સમાપ્ત

નવી દિલ્હી, તા.૨૧: ભારત સરકાર દ્વારા વિદેશમાં વસતા ભારતીયો (NRIs) અને ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકો માટેના નિયમોમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. બ્યુરો ઓફ ઈમિગ્રેશન અને વિદેશમાં સ્થિત ભારતીય મિશન દ્વારા આ નવા ફી માળખા અને કડક સમયરેખાનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ફેરફારોમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે હવે વિદેશમાં રહીને અરજી કરનારાઓ અને ભારતમાં આવીને અરજી કરનારાઓ માટે અલગ-અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.

ફીનું નવું માળખું: ક્યાં કેટલો ખર્ચ?

નવા નિયમો મુજબ, જો તમે વિદેશમાંથી નવી OCI અરજી કરો છો, તો તમારે $275 ચૂકવવા પડશે. તેની સરખામણીએ જો ભારતમાંથી અરજી કરવામાં આવે તો આ ખર્ચ આશરે રૂ. 15,000 ($180) જેટલો થાય છે.

  • કાર્ડ પુનઃ જારી (Re-issue): જ્યારે કાર્ડધારક 20 વર્ષનો થાય અથવા વ્યક્તિગત વિગતો બદલાય ત્યારે વિદેશમાં $25 અને ભારતમાં આશરે રૂ. 1,400 ચૂકવવાના રહેશે.
  • ખોવાયેલા કે ડેમેજ કાર્ડ માટે: જો OCI કાર્ડ ખોવાઈ જાય કે ખરાબ થઈ જાય, તો વિદેશમાં $100 અને ભારતમાં રૂ. 9,386 ($112) ની ફી નિર્ધારિત કરવામાં આવી છે.
  • વધારાના ચાર્જ: વિદેશી અરજદારોએ VFS ગ્લોબલ કે BLS જેવી એજન્સીઓના સર્વિસ ચાર્જ અને ભારતીય સમુદાય કલ્યાણ ભંડોળ (ICWF) ના અલગથી પૈસા આપવાના રહેશે.

ડેડલાઇન ચૂક્યા તો 'લેટ ફી'ની તલવાર

સરકારે હવે પાલન માટેની સમયમર્યાદા ખૂબ જ કડક બનાવી છે. OCI કાર્ડધારકોએ નવો પાસપોર્ટ મળ્યાના ત્રણ મહિનાની અંદર તેની વિગતો અને લેટેસ્ટ ફોટોગ્રાફ પોર્ટલ પર અપલોડ કરવો ફરજિયાત છે. જો આ સમયગાળામાં વિગતો અપડેટ નહીં કરવામાં આવે, તો $25 (આશરે રૂ. 2,100) ની લેટ ફી ફટકારવામાં આવશે. જોકે, રાહતની વાત એ છે કે 21 થી 50 વર્ષની વય વચ્ચેના લોકો માટે ઓનલાઈન અપડેટ મફત છે, જો તે સમયસર કરવામાં આવે તો.

કેનેડા માટે નવા નિયમો અને PIO કાર્ડનો અંત

કેનેડામાં રહેતા અરજદારો માટે ખાસ સૂચના છે કે હવે તેઓ પોસ્ટ દ્વારા અરજી મોકલી શકશે નહીં. 5 એપ્રિલથી તેમણે બાયોમેટ્રિક્સ આપવા માટે ફરજિયાતપણે BLS ઇન્ટરનેશનલ સેન્ટર પર રૂબરૂ જવું પડશે.

વધુમાં, સરકારે સ્પષ્ટ કર્યું છે કે તમામ જૂના PIO (Person of Indian Origin) કાર્ડ્સ 31 ડિસેમ્બર, 2025 પછી કાયમી ધોરણે અમાન્ય થઈ ગયા છે. હવે ભારતમાં પ્રવેશવા માટે કે અહીં રહેવા માટે માત્ર માન્ય OCI કાર્ડ અથવા વિઝા જ ચાલશે. વિદેશી ભારતીયોએ મુસાફરીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહેલી તકે પોતાના દસ્તાવેજો અપડેટ કરી લેવા સલાહ આપવામાં આવી છે.

(3:48 PM IST)