<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

૩૦ દિવસમાં ખરીદાયા ૬.૭૨ લાખથી વધુ વાહનો: TVS મોટરનું સપ્ટેમ્બરમાં રેકોર્ડબ્રેક બમ્પર વેચાણ

ઈલેક્ટ્રિક સ્કૂટર્સ અને એક્સપોર્ટના ધમાકેદાર પ્રદર્શનના જોરે TVS એ વાર્ષિક ધોરણે ૨૪ ટકાથી વધુની જોરદાર વૃદ્ધિ નોંધાવી : સમગ્ર ક્વાર્ટરમાં ૧૯ લાખથી વધુ વાહનો વેચીને કંપનીએ ભારતીય ઓટો માર્કેટમાં ધૂમ મચાવી

નવી દિલ્હી : ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રે તહેવારોની મોસમ પહેલાં જ વેચાણના જૂના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે, જેમાં દેશની અગ્રણી ટૂ-વ્હીલર ઉત્પાદક કંપની TVS મોટર કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરમાં આંકડા અનુસાર, માત્ર ૩૦ દિવસના સમયગાળામાં કુલ ૬,૭૨,૭૯૦ (અંદાજે ૬.૭૩ લાખ) વાહનોનું જંગી વેચાણ થયું છે, જે ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ ૨૪.૩૫ ટકાનો જંગી વાર્ષિક વધારો દર્શાવે છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના બીજા ક્વાર્ટર (જુલાઈ થી સપ્ટેમ્બર) દરમિયાન TVS એ સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મળીને ૧૯.૧૯ લાખથી વધુ વાહનોનું વેચાણ કરીને ઓટો માર્કેટમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી દીધી છે.

TVS મોટરની આ ઉત્તરોત્તર સફળતા પાછળ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટ અને આંતરરાષ્ટ્રીય નિકાસમાં આવેલો અકલ્પનીય ઉછાળો મુખ્ય કારણ માનવામાં આવે છે. કંપનીના લોકપ્રિય EV ઈ-સ્કૂટર્સ જેવા કે iQube અને Orbiter ની ભારતીય ગ્રાહકોમાં ભારે માંગ જોવા મળી છે, જેના પરિણામે સપ્ટેમ્બરમાં ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં ૧૧૦ ટકાથી પણ વધુના વાર્ષિક વધારા સાથે ૬૫,૭૯૯ યુનિટ્સનું રેકોર્ડ વેચાણ નોંધાયું હતું. કંપનીના કુલ માસિક વેચાણમાં હવે ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો વધીને ૧૦ ટકાથી વધુ થઈ ગયો છે. તદુપરાંત, ક્વાર્ટર દરમિયાન TVS ની નિકાસ પણ ૩૪ ટકાથી વધુ વધીને ૫.૩૯ લાખ યુનિટ્સના આંકડાને સ્પર્શી ગઈ છે.

ટુ-વ્હીલર સેગમેન્ટ ઉપરાંત, થ્રી-વ્હીલર (પેસેન્જર અને કોમર્શિયલ) બિઝનેસમાં પણ TVS એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. સપ્ટેમ્બરમાં થ્રી-વ્હીલરનું વેચાણ ૫૬.૫૫ ટકાના વાર્ષિક વધારા સાથે ૨૬,૮૩૫ યુનિટ્સ રહ્યું હતું. દેશભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માંગમાં વધારો થવાના કારણે તેમજ નવરાત્રિ અને દિવાળી જેવા આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને ગ્રાહકો દ્વારા નવી ખરીદીમાં ભારે ઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યો છે. કંપનીના અધિકારીઓના મતે આવનારા મહિનાઓમાં આ વેચાણનો ગ્રાફ હજુ વધુ ઊંચાઈ પર પહોંચે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

(9:39 PM IST)