તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
વાહન ફિટનેસ સર્ટિફિકેટ કૌભાંડમાં મહારાષ્ટ્રના ૩૦૦થી વધુ આરટીઓ અધિકારીઓ સામે લાલઆંખ: કારણ દર્શાવો નોટિસ ફટકારાઈ
અન્ય રાજ્યમાંથી ફોર્મ ૩૮એના આધારે ગેરરીતિ આચરવા બદલ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટની કડક કાર્યવાહી, વાહનમાલિકો માટેની સુવિધાનો મોટાપાયે દુરુપયોગ થયાનો ખુલાસો

મુંબઈ : મહારાષ્ટ્ર મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ જારી કરવામાં વ્યાપક અનિયમિતતાઓ અને ગેરરીતિઓ આચરવા બદલ રાજ્યભરના ૩૦૦થી વધુ આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) અધિકારીઓને કારણ દર્શાવો નોટિસો ફટકારવામાં આવતા વાહન વ્યવહાર વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ આરટીઓ, ડેપ્યુટી આરટીઓ અને આરટીઓ સહિત કુલ ૩૩૫ અધિકારીઓને આ નોટિસ આપવામાં આવી છે, જેમાં પહેલી જાન્યુઆરી ૨૦૨૪થી પાંચમી માર્ચ ૨૦૨૬ વચ્ચે અન્ય રાજ્યના ટ્રાન્સપોર્ટ પ્રશાસન દ્વારા જારી કરાયેલા ‘ફોર્મ ૩૮એ’ના નિરીક્ષણ અહેવાલના આધારે ‘ફોર્મ ૩૮’ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટના નવીનીકરણમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું તપાસ સમિતિના અહેવાલમાં બહાર આવ્યું છે.
નિયમ મુજબ જો વાહનનું રજિસ્ટ્રેશન થયેલું હોય તે સિવાયના અન્ય રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ફિટનેસ ટેસ્ટ હાથ ધરવામાં આવે ત્યારે ફોર્મ ૩૮એમાં નિરીક્ષણ અહેવાલ અપલોડ કરીને નોંધણીકર્તા પ્રશાસનને મોકલવો આવશ્યક છે અને પંદર દિવસની અંદર ફોર્મ ૩૮માં ફિટનેસ સર્ટિફિકેટ જારી કરવાનું રહે છે, પરંતુ આ પ્રક્રિયામાં મોટી અનિયમિતતાઓ આચરવામાં આવી હોવાનું તપાસમાં ફલિત થયું છે.
એક વરિષ્ઠ આરટીઓ અધિકારીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે વાહનમાલિકોની સુવિધા માટે રાજ્ય બહાર અધિકૃત પરીક્ષણ સુવિધા ખાતે ફિટનેસ ટેસ્ટ કરાવવાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ આ સુવિધાનો ઘેર-ઘેર અને મોટાપાયે ઘોર દુરુપયોગ કરવામાં આવ્યો છે અને અનેક કિસ્સાઓમાં તો વાહનોને મહારાષ્ટ્રની બહાર લઇ ગયા વિના જ અન્ય રાજ્યોમાંથી ફોર્મ ૩૮એ ની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા અગાઉ રચવામાં આવેલી વિશેષ તપાસ સમિતિએ આ મામલે પાંચ અલગ-અલગ શ્રેણીઓમાં ગેરરીતિઓ શોધી કાઢી હતી, એટલું જ નહીં પરંતુ આ પ્રક્રિયામાં બિલકુલ કામગીરી ન કરનાર કે શંકાસ્પદ ભૂમિકા ભજવનાર અધિકારીઓને પણ આ નોટિસોના દાયરામાં આવરી લેવામાં આવ્યા છે, જેના કારણે દોષિત અધિકારીઓ સામે કડક વિભાગીય પગલાં લેવાય તેવી પ્રબળ સંભાવના છે.
આ ગંભીર પ્રકરણ બાદ વાહન વ્યવહાર વિભાગ દ્વારા સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ભવિષ્યમાં આવા ફ્રોડ અટકાવવા માટે કડક નિયમો ઘડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેમજ નોટિસ પાઠવવામાં આવેલા અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યા બાદ આગળની કાયદાકીય અને ખાતાકીય કાર્યવાહી સઘન બનાવવામાં આવશે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
