<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

નાઇજીરીયામાં ઝેરી પીણું પીવાથી હાહાકાર: ૪૮ લોકોના કરૂણ મોત : ૧૦૦થી વધુ હોસ્પિટલમાં દાખલ

મિથેનોલ મિશ્રિત પીણું પીધા બાદ લોકોની દ્રષ્ટિ ગઈ અને કિડની ફેલ થઈ : ઉત્પાદક સહિત ૧૫ લોકોની ધરપકડ

અબુજા: આફ્રિકન દેશ નાઇજીરીયામાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. નાઇજીરીયાના ઓન્ડો રાજ્યમાં શંકાસ્પદ મિથેનોલ યુક્ત સ્થાનિક ઝેરી પીણું પીવાથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૮ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ૧૦૦થી વધુ લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે અફરાતફરી મચી ગઈ છે.

ઓન્ડો રાજ્ય પોલીસના પ્રવક્તા અબાયોમી જીમોહે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટનાના સંદર્ભમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય ઉત્પાદક સહિત ૧૫ શખ્સોની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન દારૂમાં અત્યંત ઝેરી એવા મિથેનોલનું મિશ્રણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે અને મુખ્ય શંકાસ્પદ હાલમાં પોલીસ તપાસમાં સહયોગ આપી રહ્યો છે. બીજી તરફ રાજ્યના આરોગ્ય કમિશનર બાંજી અજાકાએ જણાવ્યું હતું કે, ઓન્ડોના ઓડિગ્બો અને ઇરેલે વિસ્તારોમાં આ દેશી પીણું પીધા પછી વિપરીત અસરો દેખાતા ૧૦૦થી વધુ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા.

તબીબી અધિકારીઓના જણાવ્યા મુજબ, મિથેનોલ શરીરના લીવરમાં જઈને ફોર્મિક એસિડ જેવા અત્યંત ઝેરી રસાયણમાં રૂપાંતરિત થઈ જાય છે. જેને કારણે દર્દીઓની દ્રષ્ટિ જતી રહેવી (અંધાપો), કિડની ફેલ થવી, મગજને ગંભીર નુકસાન પહોંચવું અને મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાઇજીરીયાના ગ્રામીણ વિસ્તારોમાં સસ્તું હોવાને કારણે સ્થાનિક રીતે બનાવવામાં આવતા આવા દારૂનું સેવન ખૂબ સામાન્ય છે. આ ઘટના બાદ દેશની નેશનલ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એન્ડ કંટ્રોલ એજન્સીએ નાના પ્લાસ્ટિક કન્ટેનર અને પાઉચમાં વેચાતા દારૂ પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ કડક બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે.

(6:25 PM IST)