તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
પુણેમાં માસૂમ બાળકી પર નરાધમના અત્યાચારથી મહારાષ્ટ્રમાં આક્રોશની જ્વાળા: ફડણવીસ સરકાર સામે વિપક્ષોએ મોરચો ખોલી રાજીનામાની કરી માંગ
સાડા ત્રણ વર્ષની બાળકીની કરપીણ હત્યા બાદ ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ફાંસીની સજા માટે સરકારની ખાતરી, બીજી તરફ કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિ મામલે કોંગ્રેસે ગૃહમંત્રીને લીધા આડેહાથ

પુણે:મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી પર થયેલા બળાત્કાર અને તેની નિર્મમ હત્યાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ જઘન્ય અપરાધના વિરોધમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને અત્યંત પીડાદાયક અને માનવતા પર કલંક સમાન ગણાવી છે. તેમણે જાહેરાત કરી છે કે સરકાર આ કેસની સુનાવણી માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવા હાઈકોર્ટને વિનંતી કરશે. સાથે જ, ખાસ સરકારી વકીલની નિમણૂક કરીને ગુનેગારને ટૂંકા ગાળામાં ફાંસીના માંચડે લટકાવવા માટે તમામ કાનૂની પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.
જોકે, આ ઘટનાને પગલે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને એનસીપી (એસપી) એ ગૃહ વિભાગની નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા હર્ષવર્ધન સપકલે ગૃહમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગ કરતા જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ગુનેગારોમાંથી પોલીસનો ડર ઉઠી ગયો છે. બદલાપુરથી લઈને બીડ સુધીની શ્રેણીબદ્ધ ઘટનાઓનો ઉલ્લેખ કરતા વિપક્ષોએ આરોપ લગાવ્યો છે કે રાજ્ય 'ઉડતા મહારાષ્ટ્ર' બની રહ્યું છે અને મહિલાઓની સુરક્ષા રામભરોસે છે. સાંસદ સુપ્રિયા સુલેએ પણ સવાલ ઉઠાવ્યો હતો કે બે ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીને જામીન કેવી રીતે મળ્યા, જેના કારણે તેણે ત્રીજો ભયાનક ગુનો કરવાની હિંમત કરી.
ધારાસભ્ય રોહિત પવારે આ મામલે એસપી સાથે ચર્ચા કરી ૧૫ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની માંગ કરી છે. પીડિતાના પરિવારને નાણાકીય સહાય અને સરકારી નોકરી આપવાની માંગ સાથે તેમણે 'શક્તિ કાયદા' ના અમલીકરણમાં થતા વિલંબ અંગે પણ સરકારને ઘેરી હતી. લોકોની માંગ છે કે હવે માત્ર આશ્વાસનો નહીં પણ નક્કર પરિણામ દેખાય તે જરૂરી છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે વધી રહેલા અત્યાચારના આંકડાઓ વચ્ચે આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે, જેના કારણે આગામી દિવસોમાં સરકાર પર દબાણ વધવાની પૂરેપૂરી શક્યતા છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
