તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
કોંગોમાં આફત વચ્ચે આક્રોશ: ઇબોલા પીડિતના મૃતદેહ માટે ઉશ્કેરાયેલા હિંસક ટોળાએ આઇસોલેશન સેન્ટરને સળગાવીને રાખ કરી દીધું!
વાયરસની અત્યંત દુર્લભ 'બુંદીબુગ્યો' પ્રજાતિ ફાટી નીકળતાં ત્રાહિમામ; રસી કે ઈલાજ વિના હોસ્પિટલો ઉભરાઈ, તબીબો નજરે જોતા રહી ગયા અને ભીડે મચાવી ભારે તબાહી

બુનિયા (કોંગો): એક તરફ જીવલેણ ઇબોલા વાયરસના કથિત પ્રકોપથી આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ધ્રૂજી રહ્યો છે, ત્યારે ત્યાંના ઇટુરી પ્રાંતના મુખ્ય શહેર બુનિયામાંથી માનવતાને શર્મસાર કરતી અને તબીબી જગતને હચમચાવી મૂકે તેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોંગોમાં ઇબોલા ફાટી નીકળવાના કેન્દ્ર ગણાતા બુનિયા શહેરમાં એક શંકાસ્પદ ઇબોલા પીડિતના મૃતદેહની માંગણીને લઈને સેંકડો સ્થાનિક રહેવાસીઓના ઉશ્કેરાયેલા હિંસક ટોળાએ હોસ્પિટલ પર હુમલો કરી દીધો હતો. તબીબી સ્ટાફે ચેપ ફેલાવાના ડરથી મૃતદેહ સોંપવાનો ઇનકાર કરતાં મામલો એટલો બિચક્યો હતો કે, ઉન્મત્ત બનેલી ભીડે આંતરરાષ્ટ્રીય સહાય જૂથ દ્વારા બનાવવામાં આવેલા આખેઆખા આઇસોલેશન વોર્ડને જ સળગાવીને રાખ કરી દીધો હતો.
બુનિયા શહેરમાં સ્થિતિ પહેલેથી જ અત્યંત નાજુક છે અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરની છેવાડે આવેલી એક હોસ્પિટલના બગીચામાં ઇન્ટરનેટ નેશનલ એઇડ ગ્રુપ દ્વારા સૌથી ગંભીર દર્દીઓની સારવાર માટે એક ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો. ગુરુવારે જ્યારે હોસ્પિટલમાં એક શંકાસ્પદ ઇબોલા દર્દીનું મોત નીપજ્યું, ત્યારે તેના પરિવારજનો અને સેંકડો સ્થાનિક લોકો હોસ્પિટલના દરવાજે ધસી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. મેડિકલ સ્ટાફે પ્રોટોકોલ મુજબ લાશ આપવાની ના પાડતા જ હિંસા ફાટી નીકળી હતી અને જોતજોતામાં આખો આઇસોલેશન વોર્ડ ખંડેરમાં ફેરવાઈ ગયો હતો. હવે ત્યાં માત્ર બળી ગયેલા લોખંડના પલંગોની ફ્રેમ જ બચી છે.
નથી કોઈ રસી, નથી કોઈ ઈલાજ: તબીબો સામે બેવડો પડકાર
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોંગોમાં અત્યારે ઇબોલા વાયરસની અત્યંત દુર્લભ અને ઘાતક ગણાતી 'બુંદીબુગ્યો' (Bundibugyo) પ્રજાતિ ફાટી નીકળી છે. આ પ્રજાતિ સામે લડવા માટે તબીબો પાસે હાલ કોઈ ચોક્કસ રસી (Vaccine) કે સચોટ ઉપચાર ઉપલબ્ધ નથી. વધુમાં, આ વાયરસ ફાટી નીકળ્યાના લગભગ બે મહિના પછી ખૂબ જ મોડો પકડાયો હોવાથી તે સહાયક કાર્યકરોની પહોંચ બહાર જઈ રહ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર (UN)ના શાંતિ રક્ષકોની સુરક્ષા હેઠળ આ વિસ્તારની મુલાકાત લેનારા આંતરરાષ્ટ્રીય પત્રકારોના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વીય કોંગોના ઇટુરી પ્રાંતમાં મેડિકલ સ્ટાફ હાલ સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ સંસાધનો અને દવાઓની ભારે અછત વચ્ચે તેઓ દર્દીઓનો જીવ બચાવવા રાત-દિવસ એક કરી રહ્યા છે, તો બીજી તરફ સ્થાનિક લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધા, અફવાઓ અને આક્રોશનો ભોગ બનવું પડી રહ્યું છે. આ હિંસક હુમલા બાદ સ્થાનિક વહીવટીતંત્રે કાયદો અને વ્યવસ્થા જાળવવા વધુ સૈન્ય તૈનાત કર્યું છે, પરંતુ આઇસોલેશન સેન્ટર સળગી જતાં આગામી દિવસોમાં ઇબોલા સંક્રમણ વધુ વિસ્ફોટક બને તેવી પૂરેપૂરી દહેશત સેવાઈ રહી છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
