<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

ફ્રાન્સમાં મોંઘવારી સામે ચારેકોર હાહાકાર: પેરિસમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાતા 135 પ્રદર્શનકારીઓની ધરપકડ

ચાર લાખથી વધુ નાગરિકો રસ્તા પર ઉતરતા લૂવ્ર મ્યુઝિયમ અને મેટ્રો સ્ટેશનો બંધ: સુરક્ષા માટે 70 હજાર જવાનો તહેનાત

પેરિસ : ફ્રાન્સમાં વધતી જતી આકરી મોંઘવારી, આર્થિક અસમાનતા અને જાહેર સેવાઓની કથળતી સ્થિતિ સામે પ્રજાનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે, જેને પગલે દેશભરમાં ચાર લાખથી વધુ નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પાટનગર પેરિસ સહિતના મોટા શહેરોમાં પરિસ્થિતિ અત્યંત વણસતાં ઉગ્ર પ્રદર્શનો સર્જાયા હતા, જ્યાં ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા, લાઠીચાર્જ કર્યો હતો અને વોટર કેનનનો ભારે પ્રયોગ કર્યો હતો. સામાન્ય નાગરિકોના જીવનનિર્વાહ ખર્ચમાં થયેલા અસહ્ય વધારા સામે ફ્રેન્ચ ગૃહ મંત્રાલયના આંકડા મુજબ 4.1 લાખ લોકો જોડાયા હતા, જ્યારે ટ્રેડ યુનિયનોનો દાવો છે કે આ સંખ્યા 8 લાખ આસપાસ પહોંચી હતી અને એકલા પેરિસમાં જ 1.1 લાખથી વધુ લોકોએ માર્ચ કાઢી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

વિશ્વનું પ્રમુખ પર્યટન કેન્દ્ર ગણાતું પાટનગર પેરિસ આ વિરોધ પ્રદર્શન વચ્ચે એક પ્રકારની છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને ત્યાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી હતી. દિવસ દરમિયાન શાંતિપૂર્ણ રહેલું આંદોલન સાંજ પડતાં જ હિંસક બનતા અરાજક તત્વો અને સુરક્ષા દળો વચ્ચે તીખી અથડામણો શરૂ થઈ હતી, જેને કારણે વેપારીઓએ પોતાની દુકાનોના શટર પાડીને લાકડાના પ્રોટેક્શન બોર્ડ લગાવી દીધા હતા. હિંસા અને તોડફોડના ભયથી પ્રખ્યાત લૂવ્ર મ્યુઝિયમ અને મ્યુસી ડી'ઓર્સે સહિતના વિશ્વપ્રસિદ્ધ સ્મારકો પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા હતા, તેમજ પેરિસ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષાના કારણોસર 20 થી વધુ મુખ્ય મેટ્રો સ્ટેશનો અસ્થાયી ધોરણે બંધ રાખવામાં આવ્યા હતા.

આ આક્રોશ માત્ર પેરિસ પૂરતો મર્યાદિત ન રહેતા લિયોન, માર્સેલી, બોર્ડેક્સ, લીલે અને નાંતેસ જેવા દેશના અન્ય મોટા ઔદ્યોગિક શહેરોમાં પણ વ્યાપક બન્યો હતો, જ્યાં માર્સેલીમાં દેખાવકારોએ મેટલ શીટ્સ મૂકીને મુખ્ય રસ્તાઓ બ્લોક કરી દીધા હતા અને કચરાપેટીઓમાં આગ લગાવી દીધી હતી. કેટલાક સ્થળોએ અસામાજિક તત્વો દ્વારા પોલીસ દળો પર પથ્થરમારો અને કાચની બોટલો ફેંકવામાં આવતા પોલીસે પણ સામે કડક કાર્યવાહી કરી હતી. અગાઉના વીકેન્ડની હિંસક ઘટનાઓની પુનરાવૃત્તિ અટકાવવા માટે વહીવટીતંત્ર દ્વારા સમગ્ર ફ્રાન્સમાં સામાન્ય દિવસો કરતાં 10,000 વધુ એટલે કે કુલ 70,000 પોલીસ અધિકારીઓ અને જેન્ડાર્મ્સ તહેનાત કરવામાં આવ્યા હતા તેમજ ડ્રોન સર્વેલન્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર નજર રખાઈ હતી.

ફ્રેન્ચ આંતરિક બાબતોના પ્રધાન લોરેન્ટ નુનેઝે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કડક પગલાં લેતા શનિવાર બપોર સુધીમાં હિંસા અને તોડફોડમાં સામેલ 135 થી વધુ તોફાની તત્વોની ધરપકડ કરી લીધી છે. સુરક્ષા તપાસ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પાસેથી ફટાકડા, મેટલ બોલ્સ અને ઘાતક હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી પણ જપ્ત કરી છે. હાલમાં ફ્રાન્સ સરકાર દ્વારા આર્થિક અસંતોષને શાંત પાડવા અને આગામી દિવસોમાં આવી હિંસક ઘટનાઓ રોકવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કાનૂની પકડ વધુ મજબૂત બનાવવાની તજવીજ ચાલી રહી છે.

(11:29 AM IST)