<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

વજન ઘટાડવાની રેસમાં 'ઓરિજિનલ'નો દબદબો: ભારતીય બજારમાં જેનરિક દવાઓનો ક્રેઝ ઘટ્યો, વેગોવી અને ઓઝેમ્પિકે ફરી જમાવી સજ્જડ પકડ!

નોવો નોર્ડિસ્ક અને એલી લિલી જેવી ઇનોવેટર બ્રાન્ડ્સના વેચાણમાં સ્થિર વૃદ્ધિ: પેટન્ટ પૂરી થતાં જ કિંમતોમાં ૪૮% સુધીના તોતિંગ ઘટાડાથી દેશી કંપનીઓ ક્લીન બોલ્ડ

મુંબઈ, તા.૦૯: વિશ્વભરમાં વજન ઘટાડવા (વેઇટ લોસ) અને ડાયાબિટીસના નિયંત્રણ માટે ભારે લોકપ્રિય બનેલી ગ્લોબલ દવાઓ - વેગોવી (Wegovy) અને ઓઝેમ્પિક (Ozempic) એ ભારતીય ફાર્મા માર્કેટમાં પોતાની ગુમાવેલી બાદશાહત ફરી પાછી મેળવી લીધી છે. તાજેતરના અહેવાલો અને ફાર્માટ્રેક (PharmaTrac)ના ડેટા દર્શાવે છે કે, ભારતીય દવા ઉત્પાદક કંપનીઓની આશરે ૩૧ જેટલી સસ્તી અને જેનરિક સેમાગ્લુટાઇડ (Semaglutide) બ્રાન્ડ્સ બજારમાં આવ્યા બાદ જે પ્રારંભિક ઉન્માદ જોવા મળ્યો હતો, તે હવે ધીમે-ધીમે ઓસરી રહ્યો છે. જૂન મહિનાના આંકડા મુજબ, જેનરિક દવાઓના વેચાણની ગતિ મે મહિનાના ૧૫.૩% થી ઘટીને માત્ર ૪.૪% પર આવી ગઈ છે, જ્યારે મૂળ સંશોધક એટલે કે ઇનોવેટર બ્રાન્ડ્સે માર્કેટમાં સ્થિર અને મજબૂત રફતાર જાળવી રાખી છે.
ઈન્જેક્શન કેટેગરીમાં જૂન મહિના દરમિયાન ગ્લોબલ ઇનોવેટર કંપનીઓની વૃદ્ધિ ૧૧% નોંધાઈ છે, જેની સામે ભારતીય જેનરિક્સ માત્ર ૫% ના દરે જ વધી શકી છે. નોવો નોર્ડિસ્ક (Novo Nordisk)ની વેગોવી અને ઓઝેમ્પિક ઉપરાંત, એમ્ક્યોર ફાર્માની 'પોવિઝ્ટ્રા' અને એબોટ કંપનીની 'એક્સટેન્સિયર' જેવી લાયસન્સ ધરાવતી બ્રાન્ડ્સ પર ડૉક્ટરો વધુ ભરોસો મૂકી રહ્યા છે. બીજી તરફ, નોવોની કટ્ટર હરીફ કંપની 'એલી લિલી' (Eli Lilly) ના મોલેક્યુલ ટિર્ઝેપેટાઇડ (Tirzepatide)ની બ્રાન્ડ્સ 'મૌન્જારો' અને 'યુરપીક' (જેનું વેચાણ ભારતમાં સિપ્લા કરે છે) ના વેચાણમાં પણ જૂન મહિનામાં ૯.૧% નો શાનદાર ઉછાળો જોવા મળ્યો છે. વાસ્તવમાં, મૌન્જારો ભારતીય ફાર્મા માર્કેટમાં મૂલ્યની દ્રષ્ટિએ ₹૧૦૨ કરોડના વેચાણ સાથે સૌથી વધુ કમાણી કરનારી પ્રોડક્ટ બની ગઈ છે, જેણે જીએસકે (GSK)ની પ્રખ્યાત એન્ટિબાયોટિક 'ઓગમેન્ટિન'ને પણ પાછળ છોડી દીધી છે.
મૂળ અને નકલી વચ્ચેનો મોટો તફાવત:
તબીબી નિષ્ણાતોના મતે, ભારતીય બજારમાં જેનરિક સેમાગ્લુટાઇડની એટલી બધી બ્રાન્ડ્સ આવી ગઈ છે કે તેઓ હવે એકબીજાનો જ માર્કેટ શેર (હિસ્સો) તોડી રહી છે. વધુમાં, પશ્ચિમી દેશોના અભ્યાસો એવું પણ સૂચવે છે કે ઓઝેમ્પિક અને વેગોવી જેવી અસલી દવાઓ માત્ર વજન અને ડાયાબિટીસ જ નહીં, પરંતુ ત્વચાના ગંભીર અને પીડાદાયક લક્ષણોને દૂર કરવામાં પણ અકસીર સાબિત થઈ રહી છે.
જસલોક હોસ્પિટલના સિનિયર એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. વ્યંકટેશ શિવણે અને પીડી હિન્દુજા હોસ્પિટલના ડૉ. આસિમ માલદારે આ ટ્રેન્ડ અંગે જણાવ્યું હતું કે, ભારતમાં ગ્રાહકો અને ડોક્ટરો અસલી મોલેક્યુલને વધુ પસંદ કરી રહ્યા છે કારણ કે બ્રાન્ડ રિકોલ ખૂબ ઊંચું છે. લોકો સેમાગ્લુટાઇડને સીધું 'ઓઝેમ્પિક'ના નામે જ ઓળખે છે. સૌથી મહત્ત્વનું કારણ એ છે કે ૧ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવે તે રીતે નોવો નોર્ડિસ્કે ભારતમાં પોતાની પેટન્ટ સમાપ્ત થતાં જ ઓઝેમ્પિકના ભાવમાં ૩૬% અને વેગોવીના ભાવમાં ૪૮% નો ભારે ઘટાડો ઝીંકી દીધો હતો. પરિણામે હવે આ બંને બ્રાન્ડ્સ દ્વારા મહિનાની સારવારનો સરેરાશ ખર્ચ ઘટીને માત્ર ₹૫,૬૬૦ થઈ ગયો છે. આ કિંમત ભારતીય જેનરિક બ્રાન્ડ્સની આસપાસ જ હોવાથી ગ્રાહકો થોડા વધુ પૈસા ચૂકવીને બાયોસિમિલર પ્રોડક્ટને બદલે ગ્લોબલ સ્ટાન્ડર્ડની ઓરિજિનલ દવા ખરીદવાનું વધુ મુનાસિબ માની રહ્યા છે.

(4:35 PM IST)