તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
જીએસટીમાં કલમ ૧૨૯માં કાર્યવાહી કરતા પહેલાં કરદાતાને સાંભળવા આદેશ
ગુજરાત હાઇકોર્ટે કરદાતાની રજૂઆતના યોગ્ય જવાબ આપવા પણ તાકીદ કરી : ઇ-વે બિલ વિના વસ્તુ પકડાય તો વાહન જપ્ત કરવા સુધીની કલમ ૧૨૯માં જોગવાઇ

મુંબઈ,તા.૧૫: ઈ-વે બિલ બનાવ્યા વિના વાહન પકડાય તો તેને જીએસટી અધિકારી દ્વારા કલમ ૧૨૯ પ્રમાણે કાર્યવાહી કરતી હોય છે. કેટલાક કિસ્સામાં વાહન જપ્ત કરવા સુધીના પણ પગલાં ભરવામાં આવતા હોય છે. જયારે આવા કિસ્સામાં અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો કરદાતાને સાંભળવા પડશે અને તેના દ્વારા કરવામાં આવતી રજૂઆતનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યા બાદ જ આગળના પગલાં ભરી શકાશે તેવો આદેશ ગુજરાત હાઇકોર્ટે કર્યો છે. આ કારણોસર હવે કલમ ૧૨૯ પ્રમાણે કાર્યવાહી કરવામાં જીએસટી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી મનમાની પણ રોક લાગવાની શક્યતા સેવવામાં આવી રહી છે.
સમગ્ર કેસની હકીકત એવી છે કે ડીએસપી મેટાલિકનું વાહન કલમ ૧૨૯ હેઠળ પકડવામાં આવ્યા બાદ કરદાતા દ્વારા કરવામાં આવેલી રજૂઆત વિના જ કાર્યવાહી કરીને ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો. જેથી કંપની દ્વારા તે અંગે ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટીશન કરવામાં આવી હતી. આ કેસની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે તાકીદ
કરતા જણાવ્યું હતું કે કલમ ૧૨૯ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તે પહેલાં કરદાતાને રજૂઆત કરવાનો સમય આપવામાં આવવો જોઈએ. તે ઉપરાંત કરદાતા દ્વારા જે પણ રજૂઆત કરવામાં આવે તેના યોગ્ય જવાબ પણ આપવામાં આવવા જોઈએ, ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવે તેવો સ્પષ્ટ આદેશ કર્યો છે. આ આદેશને કારણે ગુજરાતના હજ્જારો કરદાતાઓને સૌથી વધુ લાભ થવાનો છે.(૪૦.૭)
એક તરફી કાર્યવાહી કરવાના કેસમાં ઘટાડો થશે
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેના કારણે ગુજરાતના વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે, કારણ કે કેટલાક કિસ્સામા અધિકારીઓ દ્વારા કરદાતાઓને સાંભળ્યા વિના જ નિર્ણય કરી લેતા હતા. તે હવે હાઇકોર્ટના ઓર્ડર બાદ ઘટાડો થવાની શક્યતા રહેલી છે.(સીએ)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
