News of Thursday, 25th June 2026
ઓપરેશન ટાઇગર ૩.૦ થી મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેના ૧૪ ધારાસભ્યો ગુપ્ત રીતે એકનાથ શિંદેને મળ્યા
મહા વિકાસ આઘાડી ની બેઠકમાંથી ૨૩ ધારાસભ્યો ગાયબ થતાં ખળભળાટ : છ સાંસદો બાદ હવે ધારાસભ્યો પણ સાથ છોડવાના એંધાણ : સંજય રાઉતનો કરોડના તોતિંગ સોદાબાજીનો આરોપ

મુંબઈ. મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર જોરદાર હલચલ મચી ગઈ છે અને 'ઓપરેશન ટાઇગર ૩.૦' સક્રિય થતાં જ ઉદ્ધવ ઠાકરે છાવણીમાં મોટો બળવો થયો હોવાના અહેવાલો છે. L એક વિશિષ્ટ રિપોર્ટ અનુસાર, શિવસેનાના બાકી બચેલા ૨૦ ધારાસભ્યોમાંથી ૧૪ ધારાસભ્યોએ છેલ્લા બે દિવસમાં કોઈ અજ્ઞાત સ્થળે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ગુપ્ત બેઠક કરી છે. આ ચોંકાવનારા સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ગઈકાલે સાંજે યોજાયેલી મહા વિકાસ આઘાડી ની મહત્વની સંકલન બેઠકમાંથી ગઠબંધનના ૨૩ ધારાસભ્યો રહસ્યમય રીતે ગેરહાજર રહ્યા હતા. આ ઘટનાએ ઉદ્ધવ ઠાકરેની ઊંઘ ઉડાવી દીધી છે અને પક્ષના અસ્તિત્વ સામે ફરી મોટો ખતરો ઊભો થયો છે.
ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલાં જ MVA ગઠબંધનને લાગેલો આ આંચકો વિપક્ષી એકતાના લીરેલીરા ઉડાવી રહ્યો છે. શિવસેના (UBT), કોંગ્રેસ અને શરદ પવાર જૂથની આ બેઠકમાં આશરે ૬૦ નેતાઓ હાજર રહેવાના હતા, પરંતુ માત્ર ૩૭ જ પહોંચ્યા હતા. પોતાના નેતાઓ પરથી કાબૂ ગુમાવી રહેલા ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં જ અત્યંત હતાશા અને ગુસ્સા સાથે સાથી પક્ષોને પૂછ્યું કે, "આપણે વારંવાર કહીએ છીએ કે આપણે એક છીએ, પણ શું આપણે ખરેખર એક છીએ?" તાજેતરમાં જ ઉદ્ધવ જૂથના ૬ સાંસદોએ પણ સાથ છોડ્યો હતો, જેના પર કટાક્ષ કરતા એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ જણાવ્યું કે, ઉદ્ધવ સેના જનતાનો ટેકો ગુમાવી ચૂકી છે અને તે પોતાના સાંસદો-ધારાસભ્યોને સાચવી શકતી નથી.
બીજી તરફ, આ સમગ્ર ઓપરેશન વચ્ચે શિવસેના (UBT) ના ફાયરબ્રાન્ડ નેતા અને સાંસદ સંજય રાઉતે કરોડો રૂપિયાની લેવડદેવડનો સનસનાટીપૂર્ણ આરોપ લગાવીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. રાઉતે ખુલ્લેઆમ દાવો કર્યો છે કે, "મેં ક્યારેય ખોટા આંકડા આપ્યા નથી, ધારાસભ્યો-સાંસદોને તોડવા માટે રાતોરાત ₹૧૫ કરોડ આપવામાં આવ્યા હતા અને ત્યાર બાદ જયપુર લઈ જઈને બીજા ₹૧૦ કરોડ ચૂકવાયા છે." તેમણે આરોપ લગાવ્યો કે આગામી સીમાંકન બિલને ધ્યાનમાં રાખીને નેતાઓની બોલી લગાવવામાં આવી રહી છે. આ ગંભીર આરોપો છતાં, વાસ્તવિકતા એ છે કે શિંદે જૂથ ઉદ્ધવ ઠાકરેના કિલ્લાને સતત અંદરથી ખોખલો કરી રહ્યું છે અને આ ૧૪ ધારાસભ્યોની ગુપ્ત બેઠકે મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં જ કોઈ નવા રાજકીય ડ્રામાના મંડાણ કરી દીધા છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
