તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
ઓપરેશન નુમખોર: લક્ઝરી કારની દાણચોરીનું મોટું કૌભાંડ, ૧૫,૦૦૦થી વધુ ગાડીઓ ટેક્સ વગર ભારતમાં ઘુસાડાઈ!
ભૂતાન સરહદેથી આવતી લક્ઝરી કારોના તાર ફિલ્મ સ્ટાર્સ સાથે જોડાયા : બનાવટી દસ્તાવેજો બનાવી સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવતું હાઈ-પ્રોફાઈલ રેકેટ ઝડપાયું

નવી દિલ્હી: ભારતની સરહદો પરથી સોના કે ડ્રગ્સની દાણચોરીની વાતો તો તમે સાંભળી હશે, પણ અત્યારે 'ઓપરેશન નુમખોરએ આખા દેશની તપાસ એજન્સીઓને દોડતી કરી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં ભૂતાન સરહદનો ઉપયોગ કરીને ૧૫,૮૪૯ જેટલી લક્ઝરી કાર કસ્ટમ ડ્યુટી ભર્યા વિના ભારતમાં ઘુસાડવામાં આવી હતી. 'નુમખોર' એ ભૂતાની શબ્દ છે જેનો અર્થ 'વાહન' થાય છે. આ ઓપરેશનમાં ચોંકાવનારી વાત એ છે કે આ લક્ઝરી કારના ખરીદદારોમાં દક્ષિણ ભારતના મોટા ફિલ્મ સ્ટાર્સના નામ પણ ઉછળ્યા છે, જેમને ઓછા ભાવે આ ગાડીઓ પધરાવી દેવામાં આવી હતી.
આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી જટિલ હતી. દાણચોરો આ લક્ઝરી વાહનોને ભારતીય સેનાના જૂના વાહનો, દૂતાવાસની ગાડીઓ અથવા મંત્રાલયોના હરાજીમાં વેચાયેલા વાહનો હોવાનું દર્શાવીને નકલી દસ્તાવેજો તૈયાર કરતા હતા. ડિજિટલ ઓડિટમાં જાણવા મળ્યું કે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિકાલ પ્રમાણપત્રો (Disposal Certificates) બનાવવામાં આવ્યા હતા જેથી કોઈને શંકા ન જાય. આ વાહનોને કસ્ટમ ડ્યુટીથી બચવા માટે હિમાચલ પ્રદેશ અથવા પૂર્વોત્તર રાજ્યોમાં રજિસ્ટર કરવામાં આવતા અને પછી આખા દેશમાં વેચવામાં આવતા હતા. એકલા આસામમાં જ ૪૬૪ અને કેરળમાં ૫૦થી વધુ આવી શંકાસ્પદ ગાડીઓ મળી આવી છે.
આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતાને જોતા ભારત અને ભૂતાન વચ્ચે ૨૦-૨૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ કેરળના મુન્નારમાં એક વિશેષ બેઠક યોજાઈ હતી. CBIC અને DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) ના અધિકારીઓ હવે એવા ફિલ્મ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓની યાદી તૈયાર કરી રહ્યા છે જેમણે જાણીજોઈને આ ચોરીની ગાડીઓ ખરીદી હતી. તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ વધુ મોટા માથાઓ આ શંકજામાં ફસાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સરકાર માટે આ માત્ર કરચોરીનો જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો પણ મુદ્દો બની ગયો છે કારણ કે નકલી દસ્તાવેજો પર આટલી મોટી સંખ્યામાં વાહનોનું રજિસ્ટ્રેશન સિસ્ટમની મોટી ખામી દર્શાવે છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
